Sunday, January 29, 2023

કાળચક્ર ભાગ -1

 

ભાગ- ૧

ચારે તરફ ઘોર અંધારું હતું. પોતાની જાતને એ નર્યા કાદવ-કીચડમાં ફસાયેલો અનુભવી રહ્યો હતો. એણે અનુભવ્યું કે, એના હોઠની નીચે સુધીનો ભાગ આ કાદવમાં ફસાયેલો છે. ધીમે ધીમે એણે એમાંથી બહાર આવવાનો, ઉપર ઉઠવાનો પ્રયત્ન કર્યો. અનેક કોશીષો બાદ એણે અનુભવ્યું કે એ થોડો ઉપર તરફ ઉઠી રહ્યો છે. પોતાની જાત ઉપર અને પરમાત્મા ઉપર વિશ્વાસ રાખીને એણે પ્રયત્નો ચાલુ રાખ્યા. ધીમે ધીમે એ છાતી સુધી આ કળણમાંથી બહાર આવ્યો. પ્રયત્ન પૂર્વક એણે પોતાના હાથ વડે મોઢા ઉપરની ગંદકી સાફ કરી થોડી આંખો ખુલી હોય એવું તેણે અનુભવ્યું. ચારે તરફ અંધકારના કારણે કશું જ સ્પષ્ટ જોઈ શકાતું ન હતું. એણે ફરી આંખો બંધ કરી ફરીથી પ્રયત્નો શરૂ કર્યા  આ ગંદકીમાંથી બહાર આવવાના. ખબર નહિ કેટલો સમય થયો હશે... પણ એણે અનુભવ્યું કે એ ઉપર તરફ જઈ રહ્યો છે. કદાચ બહાર આવી રહ્યો છે. પણ જેટલો એ ઉપર તરફ જતો પોતાની જાતને અનુભવતો એટલો જ એના શરીરના નીચેના અંગો જાણે કે, નીચે તરફ કોઈ ખેંચી રહ્યું હોય તેવું ખેંચાણ અનુભવતો. આખરે એના પ્રયત્નો  સફળ થયા. એ ધીરે ધીરે ઉપર તરફ ઉઠવા લાગ્યો અત્યંત ધીમી પણ મક્કમ ગતિથી. ઉપરની તરફથી એના ઉપર જાણે કે પાણીનો વરસાદ થઈ રહ્યો હોય તેવું તેને અનુભવ્યું ધીમે ધીમે એના શરીર ઉપરની ગંદકી દૂર થઈ રહી હોય તેવું લાગ્યું. ઠંડા પાણીનો સ્પર્શ એને આનંદ આપી રહ્યો હતો. જેમ જેમ ઉપર તરફ એ ગતિ કરી રહ્યો હતો તેમ તેમ એણે જાણે કે એનું શરીર વાયુનો ગોળો હોય તેવું હળવુ લાગી રહ્યું હતું.

આખરે એ આ ગંદકી, કળણ, કાદવ કીચડમાંથી પૂરેપૂરી રીતે બહાર આવી ગયો. ધીમે ધીમે એણે આંખો ખોલી સફેદ પ્રકાશના આછા આછા કિરણોમાં અણે નીચે જોયું. નીચે જોઈને એને ચીતરી ચડી એક ધ્રૃણા થઈ આવી. નીચે ગંદકી હતી, પારાવાર ગંદકી.કંઈ કેટલાય કીડા એમાં ખદબદી રહ્યા હતા. મળ-મૂત્ર, રૂધિર માંસના લોચા હતા. એક પળ માટે આ દ્રશ્ય જોઈ ન શકાતા એણે પોતાની આંખો બંધ કરી અને પછી પાછી ખોલી ફરીથી નીચે જોયું. આ વખતે ધ્યાન પૂર્વક જોતા એણે જોયું કે કેટલાય લોકો એની જેમ જ આ ગંદકીમાં ફસાયેલા હતા પણ જાણે કે, કોઈને આ ગંદકીમાંથી બહાર નીકળવાની ઈચ્છા જ ન હોય તેમ પડી જ રહ્યા હતા. અસંખ્ય વિષધર સાપ આવા વ્યક્તિઓની આસપાસ ફરી રહ્યા હતા. ફરીથી અણે આંખો બંધ કરી દીધી અને ઉપર તરફ ગતિ કરવાનો પ્રયત્ન કર્યો. થોડીક ક્ષણો પછી એ અનુભવી રહ્યો હતો કે એ ફરીથી ઉપરની તરફ ગતિ કરી રહ્યો છે. થોડાક સમય બાદ ફરીથી એની ગતિ અટકતા એણે ફરીથી આંખો ખોલી. નીલા જાંબલી રંગનો આછો આછો પ્રકાશ એણે અનુભવ્યો. અગાઉના અનુભવ મુજબ એણે ફરીથી નીચે જોયું. આ વખતે એણે જે અગાઉ દ્રશ્ય જોયું હતું તેનાથી પણ વધુ ભયંકર દ્રશ્ય હતું. પેલા કાદવ-કળણ અને ગંદકીની ફરતે ઉંચા ઉંચા પહાડો હતા જેના ઉપરથી ધગધગતો લાવારસ નીચે કાદવમાં ભળતો હતો. કેટલાય વ્યક્તિઓ આ લાવારસના કારણે સળગી રહ્યા હતા. વિકૃત અને ભયાનક ચહેરા વાળા વ્યક્તિઓ આ ગંદકીના કળણની ફરતે પહેરો ભરી રહ્યા હતા અને જે કોઈ આમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે તેને પાછા આ કળણમાં નાંખતા હતા. વધુ ધ્યાન પૂર્વક જોતા એણે લાગ્યું કે આ ગંદકી યુક્ત કળણ જેવા અનેક ગંદકી યુક્ત કળણો નીચે તરફ હતા અને તેની નીચે પણ આવા કેટલાય ગંદકી યુક્ત સ્તરનો સમૂહ હતો જેમાંથી એ ઉપર તરફ ઉઠીને આવ્યો હતો.  નીચેનું દ્રશ્ય અસહ્ય બનતા ફરીથી એણે આંખો બંધ કરી અને ફરીથી એની ઉર્ધ્વ દિશા તરફની ગતિ શરૂ થઈ.

એણે ધ્યાન પૂર્વક કાન લગાવ્યા દૂર દૂર ક્યાંક આરતી થઈ રહી હોય તેવા તાલબધ્ધ ઘંટનાદ એણે સાંભળ્યા. એણે એનું પોતાનું શરીર એકદમ હલકું લાગી રહ્યું હતું. એ જાણે કે હવામાં તરી રહ્યો હોય તેવું અનુભવી રહ્યો હતો. ફરીથી ઉર્ધ્વ દિશા તરફની એની ગતિ આરંભ થઈ દૂરથી આવતા તાલબધ્ધ ઘંટનાદની સાથે પખાવજ અને શંખના ધ્વનિ પણ એને સંભળાવવા લાગ્યા. થોડીક વાર બાદ એની ગતિ અટકી. એણે આંખો ખોલી ચારે તરફ જાત જાતના રંગીન સુગંધિત ફૂલોના બગીચા હતા, ખળખળ વહેતા ઝરણા હતા, નયનરમ્ય વાતાવરણ હતું. ચારે તરફ શાંતિ અને આનંદની અનુભૂતિ હતી. આસપાસના વાતાવરણને જોઈ એ પ્રસન્ન થઈ ગયો. મનમાં એક અજબ પ્રકારની શાંતિનો એને અનુભવ થયો. ક્યાંક બરફાચ્છાદિત પહાડો હતા તો ક્યાંક લીલાછમ ઘાસના મેદાનો અને એ મેદાનોના ઘાસ ઉપર પડેલી ઝાકળની બુંદો અને એ બુંદોમાંથી પરાવર્તિત થતો સૂર્યપ્રકાશ નાના નાના અનેક મેઘધનુષ્યોની રચના કરતો હતો. એણે જોયું કે દુધ જેવા સફેદ હંસો મુક્ત પણે વિચરી રહ્યા હતા અને મેદાનોની વચ્ચેથી પસાર થઈ રહેલ ઝરણાના કાંઠેથી કંઈક ચરી રહ્યા હતા. સ્વભાવના કુતુહલને આધિન એ ધીમે ધીમે ઝરણાઓ તરફ આગળ વધ્યો. એને આગળ આવતો જોઈને હંસોએ એક નજર એની તરફ કરી પણ એ હંસોએ કોઈ શોર ન કર્યો કે પોતાની કામગીરી અટકાવવાનો કોઈ પ્રયત્ન પણ ન કર્યો. ધીમે ધીમે એ હંસોની નજીક એમની વચ્ચે જઈને બેસી ગયો. એના પગ ઉપર વહેતા ઝરણામાંથી ઉઠતા પાણીના ફોરા પડી રહ્યા હતા, ઠંડુ પાણી એને એક આનંદ આપી રહ્યું હતું. એણે ઝરણા તરફ નજર કરી કાચ જેવું સ્વચ્છ પાણી હતું. નિર્મળ અને શુધ્ધ પાણીની નીચેના પથ્થરોને પણ આસાનીથી જોઈ શકાતા હતા. એણે ફરીથી હંસો જે ચરી રહ્યા હતા તે તરફ નજર કરી. અસંખ્ય મોતી ત્યાં વેરાયેલા હતા. એણે પોતાનો હાથ આગળ લંબાવ્યો એ મોતીના ઢગલા તરફ. એ સાથે જ દૂરથી એક બુલંદ અવાજ આવ્યો, રોકાઈ જા સંયમનાથ... કોનો અવાજ છે અને શું કહેવા માંગે છે એ બધું એ સમજે એ પહેલા એણે લંબાવેલો હાથ મોતીના ઢગલા સુધી પહોંચી ગયો અને એક મુઠ્ઠીમાં મોતી એના હાથમાં હતા.

એ સાથે જ વાતાવરણ જાણે કે પલટાઈ ગયું અને એ તીવ્ર ગતિથી નીચે તરફ સરવા લાગ્યો. સુંદર દ્રશ્યો ઝડપથી અદ્રશ્ય થઈ ગયા, શંખનાદ, પખાવજના ધ્વનિ અને તાલબદ્ધ રીતે આવતો ઘંટનાદ સંભળાવવાના બંધ થઈ ગયા. નીચે તરફ એણે નજર કરી એ જ ભયાનક દ્રશ્યો એની નજર સામે દ્રશ્યમાન થયા. એણે ઉપર તરફ નજર કરી જાણે દયા માંગતો હોય તેમ. ફરીથી પેલો બુલંદ અવાજ એને સંભળાયો, ચિંતા ન કરીશ સંયમનાથ હું તને લેવા આવીશ..

એલાર્મ ઘડિયાળ વાગી ઉઠયું અને એ જાગી ગયો કે એ જાગી ગયો એટલે એલાર્મ વાગ્યું એ કશું જ એ નક્કી કરી શક્યો ન હતો. એ.સી. ચાલુ હતું તો પણ એના ચહેરા ઉપર પરસેવાના ટીપાં દેખાઈ આવતા હતા. એનો શ્વાસ ધમણની જેમ ચાલી રહ્યો હતો. એલાર્મ બંધ કરી એણે સામેની ડીજીટલ ક્લોક તરફ જોયું. સમય સવારના ૫.૦૦ વાગ્યાનો હતો અને તારીખ હતી ૨૪/૦૫/૨૦૨૧, ગુરૂવાર. આજે એનો જન્મ દિવસ હતો જીવનના ૫૭ વર્ષ પૂરા થયા હતા અને આજે ૫૮માં વર્ષમાં પ્રવેશ હતો. તારીખ: ૨૪/૦૫/૧૯૬૪, સૌરાષ્ટ્રના એક નાના ગામમાં એક સામાન્ય બ્રાહ્મણ પરિવારમાં એક બાળકનો જન્મ થયો હતો. જેના જન્મના છઠ્ઠા દિવસે એનું નામકરણ થયું હતું સંયમ ત્રિવેદી, સંયમ વિપુલચંદ્ર ત્રિવેદી જે આજે સમગ્ર ભારતના ઉદ્યોગપતિઓમાં એક જાણીતું નામ બની ગયું હતું. આજે પોતાનો જન્મદિવસ છે એ યાદ આવતા એના ચહેરા ઉપર એક ખુશીના ભાવ છવાઈ ગયા પણ એ સાથે જ ગયા વર્ષે એના જન્મદિવસ ઉપર એને મળેલ પેલા સાધુ-સન્યાસીનો ચહેરો અને એની વાત યાદ આવી ગઈ. એ જ વાક્ય હતું ચિંતા ન કરીશ સંયમનાથ હું તને લેવા આવીશ. એ સાથે એનું મન થોડું ખાટું થઈ ગયું પણ મનના વિચારોને ખંખેરીને એ ફ્રેશ થવા બાથરૂમમાં ગયો.

Sunday, January 22, 2023

હતો એક રાવણ દશ માથાળો વીસ ભૂજાળો

 હતો એક રાવણ દશ માથાળો વીસ ભૂજાળો

શિવને ચાહનારો, ચાર વેદને જાણનારો

નવ ગ્રહને કાબૂ કરનારો વિધાતાને હરાવનારો

હતો એક રાવણ દશ માથાળો વીસ ભૂજાળો


શિવ તાંડવ રચનારો, યંત્ર મંત્ર અને તંત્રને જાણનારો

સમુદ્ર કેરા પાણીથી પુષ્પકને ચલાવનારો

ત્રણે લોકને જીતનારો અને લંકામાં રહેનારો

હતો એક રાવણ દશ માથાળો વીસ ભૂજાળો


પનોતી માથે પગ મૂકી આસને બેસનારો

પોતાના હાથેથી કૈલાસને ઉચકનારો

પોતાના આંતરડાથી રાવણહથ્થો બનાવનારો

હતો એક રાવણ દશ માથાળો વીસ ભૂજાળો


જીદ ઉપર પોતાની અડગ રહેનારો

પોતાના સિવાય ન કોઈને ગણનારો

ખભે મા ને બેસાડી એનું માન જાળવનારો

હતો એક રાવણ દશ માથાળો વીસ ભૂજાળો


વિષ્ણુને અવતાર લેવા મજબૂર કરનારો

પોતાના સહિત પોતાના કૂળને તારનારો

જીદને ખાતર પોતાની હરિના હાથે મરનારો

હતો એક રાવણ દશ માથાળો વીસ ભૂજાળો


-----આશિષ મહેતા

Sunday, January 8, 2023

બીરજુ બીરવા ભાગ-24 (અંતિમ ભાગ)

 

 બીરજુ બીરવા ભાગ-24 (અંતિમ ભાગ)

આવો તેજુમલજી કેમ છો?” બીરવાએ તેજુમલ ઉર્ફે ડિટેક્ટીવ કમલને હસતા ચહેરે આવકાર આપ્યો.

બસ મજા છે. ભગવાનની દયાથી ચાલે રાખે છે. ડિટેક્ટીવ કમલે જવાબ આપ્યો.

આપની ઓફર મેં અમારા બીજા ટ્રસ્ટીઓને જણાવી અમારા ટ્રસ્ટીઓએ પણ હકારાત્મક અભિપ્રાય આપ્યો એટલે આપને આજે બોલાવ્યા.મારે, આપની પાસેથી કેટલીક માહિતી જાણવી હતી.

બોલોને શેઠિયા. પોતાની ચાલ સફળ થતી જોઈને ડિટેક્ટીવ કમલે ઉત્સાહપૂર્વક પૂછયું.

આપની ફર્મની રજીસ્ટ્રર્ડ ઓફિસનું સરનામું જોઈશે અને અમારી શરત એ છે કે આપે ઓછામાં ઓછા એક હજાર નંગની ખરીદી કરવી પડશે અને એ પણ અમારા એક્ષપોર્ટના ભાવથી. જેનું અડધું પેમેન્ટ ઓર્ડર વખતે અને બાકીનું તમને માલની ડિલીવરી મળે તે સમયે. બીરવાએ ઠંડા કલેજે પોતાની શરત મૂકી.

બીરવાની શરત સાંભળીને ડિટેક્ટીવ કમલ ઉર્ફે તેજુમલના કપાળે પરસેવો વળી ગયો. થોડીક વાર પછી એણે બાજી સંભાળતા કહ્યું, સારૂ તમે મને કેટલોગ આપો હું વિચારીને કહીશ.

બીરવાએ રઘુનંદનની સામે જોઈને કહ્યું, રઘુ, આમને જો આપણને એમનો પરિચય ન આપ્યો હોત તો આપણે થાપ ખાઈ જાત ને. તેજુમલજીનો ચહેરો અને કદ કાઠી આપણા કોલેજ ફ્રેન્ડ રામકિશન જેવી છે. નહિ.!? વિજ્ઞાન કહે છે કે એક સરખા ચહેરા વાળા સાત લોકો આ પૃથ્વી પર હોઈ શકે. આમને જોયા પછી એ વાત માનવી જ પડે. કહીને બીરવા હસી પડી અને રઘુનંદને એના હાસ્યમાં સૂર પૂરાવ્યો. તેજુમલે પણ વાતમાં ભાગ લેતા કહ્યું, હા સાચી વાત છે. એ પછી વાત ટુંકાવી વિદાય લીધી.

પોતાની હોટલ ઉપર જઈને એ નવ શીખ્યા ડિટેક્ટીવ કમલે અમરેલી ફોન કર્યો સામે છેડે સુમંત પારેખે ફોન રીસીવ કર્યો, સર તમને જે ભ્રમ થયો હતો તે ખોટો છે. મેં જાતે ઉદય ટ્રસ્ટના વ્યક્તિઓની તપાસ કરી. આ લોકો વેપારી માણસો છે.

સામા છેડેથી આપવામાં આવતી સૂચના અને કહેવામાં આવતી વાતો સાંભળી રહ્યા બાદ ડિટેક્ટવ કમલે કહ્યું

હા સાહેબ બરાબર તપાસ કરી છે. એ પછી જ આપને રીપોર્ટ આપ્યો. આપ મારી ફી મારા ખાતામાં જમા કરાવી દેશો. મારૂં કામ અંહિયા પૂરૂ થયું. કહીને ડિટેક્ટીવ કમલે ફોન કટ કર્યો અને પોતાનો સામાન પેક કરવાનું શરૂ કર્યું.

બીજા દિવસે ડિટેક્ટીવ કમલે હોટલમાંથી ચેક આઉટ કર્યું.

--------------

એક સાંજે જગો અને મંગો ઉર્ફે જગજીવન અને મંગળદાસ બંને શાંતિથી વાતો કરતા બેઠા હતા. ઉદય ટ્રસ્ટની ઓફિસથી બીરવા અને રઘુનંદન આવ્યા એટલે જગાએ બંનેને બોલાવ્યા. આજે જગો ઉર્ફે જગજીવન ખૂબ જ ખુશ હતો.

આવો બંને આજે એક વાત કહેવી છે. આમ તો તમારો આભાર માનવો છે. તમે જો આ નવો ચીલો ચાતર્યો ન હોત તો આજે આપણી આ સારી છબી સમાજમાં ન હોત.

બાપુ, એ માટે પણ આપનો જ આભાર અમારે માનવો પડે. આપે મને અને બીજા બધાને ભણાવ્યા અને આપણી વંશ પરંપરાગત કળા પણ. સાથે સાથે અમને અમારી રીતે કામ કરવા દીધા અને  એ બધા જ કામમાં યોગ્ય સાથ સહકાર પણ આપ્યો.

હા, પણ તમે આ જે ટ્રસ્ટ શરૂ કર્યું તેના કારણે જ આજે શાંતિથી રોટલો ખાઈ શકીએ છીએ.

એ બધી વાતો છોડો અત્યારે.. એ કહો કે જમ્યા કે નહિ.?”

હા, બસ જો વાળુ કરી લીધું તમે પણ પરવારી જાવ.”

એ રાત્રે જગજીવન ઉર્ફે જગો ખૂબ જ ખુશ હતો અને લગભગ વહેલી પરોઢ સુધી એણે મંગા જોડે વાતો કરી ભૂતકાળ વાગોળ્યો.

બીજા દિવસે, સવારે મોડા સુધી જગો ઉઠ્યો નહિ એટલે રઘુનંદન એને ઉઠાડવા ગયો. ત્યારે જગો ઉઠ્યો જ નહિ. જગો- જગજીવન બધાને છોડીને અનંતની વાટે ચાલી નીકળ્યો હતો.

આગલી સાંજે જે હસી ખુશીનો માહોલ હતો તે બીજા દિવસની સવારે ગમગીનીમાં તબદીલ થઈ ગયો. સહુથી વઘુ આધાત મંગા ઉર્ફે મંગળદાસને વધુ લાગ્યો. મંગાનો બાળપણનો સાથી ઓચિંતો જતો રહ્યો.. મંગા ઉર્ફે મંગળદાસને આઘાત પચાવવો અઘરો પડ્યો. પણ દુઃખનું ઓસડ દહાડા એ મુજબ સમય પસાર થતો ગયો. ધીમે ધીમે મંગાને જગાના વિયોગના આઘાતની કળ વળતી ગઈ. જગાના ગયા બાદ, મંગાનું જીવન જાણે સાવ બદલાઈ જ ગયું. એનો દિવસનો મોટા ભાગનો સમય માળા કરવામાં પસાર થતો.

એક સાંજે મંગા ઉર્ફે મંગળદાસને એની પત્નીએ એક સમાચાર આપ્યા, કહુ છું, થારી બેટી રો સારા દિવસો છે. તુસ્સી નાના બનવાના હો.

હવે તો તું સુધર, આટલા વર્ષો પછી પણ તને એ જ કહેવાનું કે બધા જ પ્રાંતની ભાષા ભેગી કરીને નહિ બોલ. કહીને મંગો હસ્યો અને ઉભો થઈને બીરવાના રૂમ તરફ ગયો.

બીરજુ, બેટા આવું કે અંદર?” કહીને મંગો દરવાજે ઉભો રહ્યો.

બાપુ આવોને. કહીને બીરવા ઉર્ફે બીરજુએ આવકાર આપ્યો.

બોલો બાપુ શું કામ પડ્યું?”

કંઈ નહિ, બસ તમારી તબિયત સારીને. આરામ કરો કહીને મંગો પાછો એના રૂમમાં જતો રહ્યો.

એક બાપની મર્યાદા સાચવીને મૂક આશિષ આપીને.

સમય પસાર થતો ગયો અને બીરવાએ પૂરા મહિને એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો. પહેલી વખત આ સમાજના કોઈ બાળકનો જન્મ હોસ્પિટલમાં થયો હતો. બાળકના નામકરણની તારીખે બીરવાના આગ્રહથી સી.પી. રાજકોટ અજય શેલત તેમના પરિવાર સાથે ઊપસ્થિત રહ્યા. રઘુનંદનની કોઈ સગી બહેન તો હતી નહિ એટલે નામકરણની જવાબદારી વંદનાના ભાગે આવી. વૃષભ રાશિ પરથી સહુએ મળીને બાળકનું નામકરણ કર્યું. ઊદય, ઊદય રઘુનંદન પરિહાર.

ઊદયના જન્મની પ્રથમ વર્ષગાંઠ ઉજવવાનું નક્કી થયું. બહુ અંગત માણસોની હાજરીમાં પ્રસંગ ઉજવવાનો હતો. ગણતરીના વ્યક્તિઓ વચ્ચે પણ સી.પી. રાજકોટ અજય શેલતની હાજરી નોંધનીય હતી. આનંદ પૂર્વક જન્મદિવસની ઉજવણી પૂર્ણ થઈ.

રાત્રે મંગા ઉર્ફે મંગળદાસે રઘુનંદનને પૂછ્યું કે આ સી.પી. રાજકોટ સાથેના તમારા સંબંધો આટલા નજીકના કેવી રીતે છે. રઘુનંદને કોઈ જ જવાબ ના આપ્યો અને શુભરાત્રી બાપુ કહીને ઉભો થઈ ગયો.

રાત્રે પોતાના રૂમમાં બીરવા ઉર્ફે બીરજુ અને રઘુ ઉર્ફે રઘુનંદન વાતો કરી રહ્યા હતા.

કોલેજમાં આપણો મિત્ર અજ્જુ, જેના માતા-પિતાનું અકસ્માતમાં અવસાન થયું અને આપણે એની ફી ભરી એને શક્ય તેટલી મદદ કરી. બદલામાં એણે આપણને આપણા દરેક મિશનમાં કોઈ લુપ હોલ્સ ન રહી જાય અને જો કદાચ રહી પણ જાય તો શું કરવું એની સમયસર માહિતી આપતો ગયો. કોલેજ કાળની જુની વાતો યાદ કરતા કરતા બંને મોડા સુધી જાગ્યા.  બીજા દિવસથી ફરી ઉત્સાહ પૂર્વકનના ઉદય ટ્રસ્ટના એ જ રૂટિન કાર્ય....

એ પછીના સમયગાળામાં ઉદય ટ્રસ્ટની પ્રવૃત્તિ અને પ્રતિષ્ઠા વધતી ગઈ અને સાથે સાથે જ જુની વાતો ભૂલાતી ગઈ અને ભુંસાતી ગઈ.

 

----સમાપ્ત—

વાચક મિત્રો, આ સમગ્ર વાર્તા કાલ્પનિક છે આ વાર્તાના પાત્રો, ઘટનાઓ, સ્થળ એ તમામ કાલ્પનિક છે. વાસ્તવમાં આવી કોઈ જ ઘટના, પાત્રો કે આવો કોઈ સમાજ કે પરિવાર અસ્તિત્વમાં નથી. આમ છતાં, જો કોઈ વ્યક્તિનું નામ, સરનામું, સ્થળ, ઘટના, અટક કે અન્ય કોઈ પ્રસંગ સાથે સંકળાય તો તે એક માત્ર સંયોગ છે.

આભાર સહ....

આશિષ મહેતા...

 

Sunday, January 1, 2023

બીરજુ બીરવા ભાગ 23

 

 બીરજુ બીરવા ભાગ 23

સમય પસાર થતો ગયો, ઉદય ટ્રસ્ટની પ્રવૃત્તિઓ વેગ પકડતી ગઈ અને પરિહાર પરિવારને એક સન્માન મળતું થયું. ઉદય ટ્રસ્ટના બેનરમાં એક વાક્ય લખવામાં આવ્યું, હકનું છોડવું નહિ અણહકનું લેવું નહિ. ગૃહઉદ્યોગની પ્રવૃત્તિ હેઠળ કોરા નાસ્તા, હાથ વણાટનું કાપડ, ભરતકામ અને આવી બીજી પ્રવૃત્તિઓ દ્વારા ઘણા પરિવારોને રોજગારી મળી હતી. લોકલ આઉટલેટ પરથી થતા વેચાણની સાથે સાથે એક્ષપોર્ટમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો.

એક સવારે ઉદય ટ્રસ્ટની ઓફિસે એક કાર આવીને ઉભી રહી. ટ્રસ્ટની ઓફિસની બહાર લાગેલા સી.સી.ટી.વી. કેમેરામાંથી બીરવાએ કારમાંથી ઉતરનારને જોયો એને કંઈક શંકાસ્પદ લાગ્યું. આવનારે ઓફિસના રીસેપ્શન ઉપર કહ્યું, મારે ટ્રસ્ટીને મળવું છે. મોટો ઓર્ડર આપવો છે. બીરવાનું અંતરમન આવનારના પહેરવેશ અને વ્યક્તિત્વ વચ્ચેના ભેદને શંકાસ્પદ સૂચવી રહ્યું હતું. રીસેપ્શનીસ્ટે રીસેપ્શન ઉપરથી ઈન્ટરકોમ ઉપર બીરવાને કહ્યું, કોઈ તેજુમલજી આપને મળવા માંગે છે. એમને બેસાડો હું જ બહાર આવું છું મળવા. બીરવાએ સામે સૂચના આપી. રીસેપ્શનીસ્ટે આવનાર તેજુમલને સામેના સોફામાં બેસવા જણાવ્યું. આવનારે સોફામાં ગોઠવાયો. આ દરમ્યાન બીરવાએ રઘુનંદનને આવનાર શંકાસ્પદ હોવા વિશે જણાવી પોતાની જોડે વેઈટીંગ એરીયામાં આવવા કહ્યું.

વેઈટીંગ એરીયામાં બીરવા અને રઘુનંદન આવ્યા. રઘુનંદને પોતાની ઓળખાણ આપતા કહ્યું હું રઘુનંદન અને આ બીરવા અમે આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ. બોલો સાહેબ આપની શું સેવા કરી શકીએ.

આવનારે ઉભા થઈને પોતાનો પરિચય આપતા કહ્યું હું તેજુમલ, બોમ્બેમાં મારો ઈમ્પોર્ટ-એક્ષપોર્ટનો કારોબાર છે. તમારી હસ્તકલાની વસ્તુઓ મારે મોકલવી છે. એના માટે વાત કરવા આવ્યો છું.

તેજુમલ જે સોફા ઉપર બેઠો હતો તેની સામેની તરફના સીંગલ સોફા ઉપર બીરવાએ બેઠક લીધી અને તેજુમલની ડાબી બાજુની તરફના સીંગલ સોફા ઉપર રઘુનંદને બેઠક લીધી.

મારે ઈમ્પોર્ટ એક્ષપોર્ટનું મોટું કામ છે. મસાલા, દાળ, મીઠું, કેમીકલ, મેડીસીન, ક્લીનીંગ મટીરીયલ્સ આ બધી વસ્તુઓ હું નિયમીત એક્ષપોર્ટ કરુ છું. મારે હસ્તકલાની વસ્તુઓ એક્ષપોર્ટ કરવી છે. ભારતની હસ્તબનાવટની વસ્તુઓ અને હાથની કલા દુનિયામાં પ્રચલિત થાય તે હેતુથી.  તેજુમલે કહ્યું

બહુ સરસ, બીરવાએ ટુંકો પ્રત્યુત્તર આપ્યો.

મારી ગણતરી એવી છે કે, તમે જે હસ્તકલાની વસ્તુઓ બનાવો તે તમામ તમારે મને વેચવાની હું એક્ષપોર્ટના ભાવથી જ ખરીદ કરીશ અને તે વસ્તુઓ હું મારી કંપનીના નામથી એક્ષપોર્ટ કરીશ. તેજુમલે સીધી જ મુદ્દાની વાત કરી.

સારૂં આપનું નામ અને નંબર મને આપી દો. હું બીજા ટ્રસ્ટીઓને પૂછીને આપને જણાવીશ. કહીને બીરવાએ તેજુમલના નામ અને નંબર ડાયરીમાં નોંધી દીધા. તેજુમલે બીરવાનો નંબર માંગ્યો એટલે બીરવાએ ઉદય ટ્રસ્ટનું ઓફિસના નંબર વાળું વીઝીટીંગ કાર્ડ આપ્યું. તેજુમલે કાર્ડ પોતાના પર્સમાં મૂક્યું અને ઉભો થયો સાથે જ બીરવા અને રઘુનંદન પણ ઉભા થઈ ગયા. તેજુમલે વિદાય લીધી. બીરવાએ તરત જ હેમંત ઉર્ફે સરમણને ફોન  કરી તેજુમલનો પીછો કરી તેની રજે રજની માહિતી જાણી લાવવા સૂચના આપી. સમયની સાથે પહેરવેશ, બોલી,રહેણી કરણી બદલી શકાય પણ જે લોહીના ગુણ હોય તે ન જાય. તેજુમલના વર્તન ઉપર બીરવાને શંકા પડી અને તેજુમલની વાત કરવાની પધ્ધતિથી બીરવાની શંકા મજબૂત બની. સરમણ ઉર્ફે હેમંતને પણ ઘણા સમયથી જૂની પ્રવૃત્તિ કરવાની ઈચ્છા હતી અને એમાં પણ સરદાર-બીરવાએ આજે વર્ષો પછી ફરીથી એના ઉપર ભરોસો મૂકીને કામ સોંપ્યું હતું. એટલે એનો ઉત્સાહ વધી ગયો.

તેજુમલની પાછળ પાછળ જ સરમણ ઉર્ફે હેમંતે વિદાય લીધી.

-------------------------------------------------------

 એ પછીના બે દિવસો સામાન્ય દિવસની જેમ જ ગયા. કોઈ ખાસ નોંધનીય બાબત ન હતી. ત્રીજા દિવસે સરમણ ઉર્ફે હેમંતે સાંજે બીરવા ઉર્ફે બીરજુને તેજુમલનો રીપોર્ટ આપ્યો. તેજુમલ કોઈ વેપારી ન હતો, ખાનગી ડિટેક્ટીવ હતો નવો સવો અને પોતાને ડિટેક્ટીવ કમલ તરીકે ઓળખાવતો હતો. અમરેલીથી સુમંત તાજેતરમાં કચ્છ ફરવા આવ્યો હતો. એણે બીરવાને અને રઘુનંદનને જોયા એટલે એણે બીરવા અને રઘુનંદનની છાનબીન કરવાની જવાબદારી ડિટેક્ટીવ કમલને સોંપી. તેજુમલ ઉર્ફે ડિટેક્ટીવ કમલની માહિતી મેળવ્યા પછી રઘુનંદન ઉર્ફે રઘાએ બીરવાને પૂછ્યું, આનું શું કરીશું?”

કંઈ નહિ આવતીકાલે મળવા બોલાવીશું એની ઓફર અંગે આપણે સંમત છીએ, જો એ ઓર્ડર ઓછામાં ઓછા એક હજાર નંગના હોય તો, તેવું જણાવીશું અને પૈસા અડધા એડવાન્સ અને બાકીના ડિલીવરી સમયે એવી શરત મૂકીશું. એટલે એ ચાલ્યો જશે.

એ જ એના માટે સારૂ રહેશે. કહી રઘુનંદને દાંત કચકચાવ્યા.

ગુસ્સો એ સ્વાસ્થ્ય અને આયોજન બંને માટે હાનિકારક છે, રઘુ બીરવાએ શાંતિથી કહ્યું.

બીજા દિવસે, ઉદય ટ્રસ્ટની ઓફિસના નંબર ઉપરથી બીરવાએ તેજુમલ ઉર્ફે ડિટેક્ટીવ કમલને ફોન કર્યો અને મળવા બોલાવ્યો. થોડીવાર પછી ડિટેક્ટીવ કમલ ઉર્ફે તેજુમલ ઉદય ટ્રસ્ટની ઓફિસમાં હતો. માણસની અસલીયતની જાણ થઈ ગયા પછી એની સાથે વાત કરવાની કે રમત રમવાની મજા કંઈક અલગ જ હોય છે. એમ બીરવાને ડિટેક્ટીવ કમલ અને તેના આવવાના કારણની જાણ થઈ ગઈ હતી એટલે, બીરવા આજે ડિટેક્ટીવ કમલને બીરજુના શાતિર દિમાગનો પરિચય આપવાના મૂડમાં હતી.