બીરજુ બીરવા ભાગ 23
સમય પસાર થતો ગયો, ઉદય ટ્રસ્ટની પ્રવૃત્તિઓ વેગ પકડતી ગઈ અને પરિહાર
પરિવારને એક સન્માન મળતું થયું. ઉદય ટ્રસ્ટના બેનરમાં એક વાક્ય લખવામાં આવ્યું,
હકનું છોડવું નહિ અણહકનું લેવું નહિ. ગૃહઉદ્યોગની પ્રવૃત્તિ હેઠળ કોરા નાસ્તા, હાથ
વણાટનું કાપડ, ભરતકામ અને આવી બીજી પ્રવૃત્તિઓ દ્વારા ઘણા પરિવારોને રોજગારી મળી
હતી. લોકલ આઉટલેટ પરથી થતા વેચાણની સાથે સાથે એક્ષપોર્ટમાં પણ નોંધપાત્ર વધારો થયો
હતો.
એક સવારે ઉદય ટ્રસ્ટની ઓફિસે એક કાર આવીને ઉભી રહી. ટ્રસ્ટની ઓફિસની
બહાર લાગેલા સી.સી.ટી.વી. કેમેરામાંથી બીરવાએ કારમાંથી ઉતરનારને જોયો એને કંઈક
શંકાસ્પદ લાગ્યું. આવનારે ઓફિસના રીસેપ્શન ઉપર કહ્યું, “મારે ટ્રસ્ટીને
મળવું છે. મોટો ઓર્ડર આપવો છે.” બીરવાનું અંતરમન આવનારના પહેરવેશ અને વ્યક્તિત્વ વચ્ચેના ભેદને
શંકાસ્પદ સૂચવી રહ્યું હતું. રીસેપ્શનીસ્ટે રીસેપ્શન ઉપરથી ઈન્ટરકોમ ઉપર બીરવાને
કહ્યું, “કોઈ તેજુમલજી આપને મળવા માંગે છે.” “એમને બેસાડો હું જ બહાર આવું છું મળવા.” બીરવાએ સામે
સૂચના આપી. રીસેપ્શનીસ્ટે આવનાર તેજુમલને સામેના સોફામાં બેસવા જણાવ્યું. આવનારે
સોફામાં ગોઠવાયો. આ દરમ્યાન બીરવાએ રઘુનંદનને આવનાર શંકાસ્પદ હોવા વિશે જણાવી
પોતાની જોડે વેઈટીંગ એરીયામાં આવવા કહ્યું.
વેઈટીંગ એરીયામાં બીરવા અને રઘુનંદન આવ્યા. રઘુનંદને પોતાની ઓળખાણ
આપતા કહ્યું હું રઘુનંદન અને આ બીરવા અમે આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ. બોલો સાહેબ આપની
શું સેવા કરી શકીએ.
આવનારે ઉભા થઈને પોતાનો પરિચય આપતા કહ્યું હું તેજુમલ, બોમ્બેમાં
મારો ઈમ્પોર્ટ-એક્ષપોર્ટનો કારોબાર છે. તમારી હસ્તકલાની વસ્તુઓ મારે મોકલવી છે.
એના માટે વાત કરવા આવ્યો છું.
તેજુમલ જે સોફા ઉપર બેઠો હતો તેની સામેની તરફના સીંગલ સોફા ઉપર
બીરવાએ બેઠક લીધી અને તેજુમલની ડાબી બાજુની તરફના સીંગલ સોફા ઉપર રઘુનંદને બેઠક
લીધી.
“મારે ઈમ્પોર્ટ
એક્ષપોર્ટનું મોટું કામ છે. મસાલા, દાળ, મીઠું, કેમીકલ, મેડીસીન, ક્લીનીંગ
મટીરીયલ્સ આ બધી વસ્તુઓ હું નિયમીત એક્ષપોર્ટ કરુ છું. મારે હસ્તકલાની વસ્તુઓ
એક્ષપોર્ટ કરવી છે. ભારતની હસ્તબનાવટની વસ્તુઓ અને હાથની કલા દુનિયામાં પ્રચલિત
થાય તે હેતુથી.” તેજુમલે કહ્યું
“બહુ સરસ, બીરવાએ
ટુંકો પ્રત્યુત્તર આપ્યો.
મારી ગણતરી એવી છે કે, તમે જે હસ્તકલાની વસ્તુઓ બનાવો તે તમામ તમારે
મને વેચવાની હું એક્ષપોર્ટના ભાવથી જ ખરીદ કરીશ અને તે વસ્તુઓ હું મારી કંપનીના
નામથી એક્ષપોર્ટ કરીશ. તેજુમલે સીધી જ મુદ્દાની વાત કરી.
સારૂં આપનું નામ અને નંબર મને આપી દો. હું બીજા ટ્રસ્ટીઓને પૂછીને
આપને જણાવીશ. કહીને બીરવાએ તેજુમલના નામ અને નંબર ડાયરીમાં નોંધી દીધા. તેજુમલે
બીરવાનો નંબર માંગ્યો એટલે બીરવાએ ઉદય ટ્રસ્ટનું ઓફિસના નંબર વાળું વીઝીટીંગ કાર્ડ
આપ્યું. તેજુમલે કાર્ડ પોતાના પર્સમાં મૂક્યું અને ઉભો થયો સાથે જ બીરવા અને
રઘુનંદન પણ ઉભા થઈ ગયા. તેજુમલે વિદાય લીધી. બીરવાએ તરત જ હેમંત ઉર્ફે સરમણને
ફોન કરી તેજુમલનો પીછો કરી તેની રજે રજની
માહિતી જાણી લાવવા સૂચના આપી. સમયની સાથે પહેરવેશ, બોલી,રહેણી કરણી બદલી શકાય પણ
જે લોહીના ગુણ હોય તે ન જાય. તેજુમલના વર્તન ઉપર બીરવાને શંકા પડી અને તેજુમલની
વાત કરવાની પધ્ધતિથી બીરવાની શંકા મજબૂત બની. સરમણ ઉર્ફે હેમંતને પણ ઘણા સમયથી
જૂની પ્રવૃત્તિ કરવાની ઈચ્છા હતી અને એમાં પણ સરદાર-બીરવાએ આજે વર્ષો પછી ફરીથી
એના ઉપર ભરોસો મૂકીને કામ સોંપ્યું હતું. એટલે એનો ઉત્સાહ વધી ગયો.
તેજુમલની પાછળ પાછળ જ સરમણ ઉર્ફે હેમંતે વિદાય લીધી.
-------------------------------------------------------
એ પછીના બે દિવસો સામાન્ય
દિવસની જેમ જ ગયા. કોઈ ખાસ નોંધનીય બાબત ન હતી. ત્રીજા દિવસે સરમણ ઉર્ફે હેમંતે
સાંજે બીરવા ઉર્ફે બીરજુને તેજુમલનો રીપોર્ટ આપ્યો. તેજુમલ કોઈ વેપારી ન હતો,
ખાનગી ડિટેક્ટીવ હતો નવો સવો અને પોતાને ડિટેક્ટીવ કમલ તરીકે ઓળખાવતો હતો.
અમરેલીથી સુમંત તાજેતરમાં કચ્છ ફરવા આવ્યો હતો. એણે બીરવાને અને રઘુનંદનને જોયા એટલે
એણે બીરવા અને રઘુનંદનની છાનબીન કરવાની જવાબદારી ડિટેક્ટીવ કમલને સોંપી. તેજુમલ
ઉર્ફે ડિટેક્ટીવ કમલની માહિતી મેળવ્યા પછી રઘુનંદન ઉર્ફે રઘાએ બીરવાને પૂછ્યું, “આનું શું કરીશું?”
“કંઈ નહિ
આવતીકાલે મળવા બોલાવીશું એની ઓફર અંગે આપણે સંમત છીએ, જો એ ઓર્ડર ઓછામાં ઓછા એક
હજાર નંગના હોય તો, તેવું જણાવીશું અને પૈસા અડધા એડવાન્સ અને બાકીના ડિલીવરી સમયે
એવી શરત મૂકીશું. એટલે એ ચાલ્યો જશે.”
“એ જ એના માટે
સારૂ રહેશે.” કહી રઘુનંદને દાંત કચકચાવ્યા.
“ગુસ્સો એ
સ્વાસ્થ્ય અને આયોજન બંને માટે હાનિકારક છે, રઘુ” બીરવાએ શાંતિથી કહ્યું.
બીજા દિવસે, ઉદય ટ્રસ્ટની ઓફિસના નંબર ઉપરથી બીરવાએ તેજુમલ ઉર્ફે
ડિટેક્ટીવ કમલને ફોન કર્યો અને મળવા બોલાવ્યો. થોડીવાર પછી ડિટેક્ટીવ કમલ ઉર્ફે
તેજુમલ ઉદય ટ્રસ્ટની ઓફિસમાં હતો. માણસની અસલીયતની જાણ થઈ ગયા પછી એની સાથે વાત
કરવાની કે રમત રમવાની મજા કંઈક અલગ જ હોય છે. એમ બીરવાને ડિટેક્ટીવ કમલ અને તેના
આવવાના કારણની જાણ થઈ ગઈ હતી એટલે, બીરવા આજે ડિટેક્ટીવ કમલને બીરજુના શાતિર
દિમાગનો પરિચય આપવાના મૂડમાં હતી.
No comments:
Post a Comment