કાળચક્ર ભાગ-૫
સંયમની વાત પૂર્ણ થઈ એ સાથે જ એના ફોનની રીંગ વાગી. સ્કીન ઉપર નામ ફ્લેશ થયું. જય એમ. પી.
એમ.પી. શબ્દ સાંભળતા રાજનીતી સાથે સંકળાયેલ વ્યક્તિઓના મગજમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ શબ્દ આવે, મેડીકલના વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિઓના મગજમાં મેડીકલ પ્રેક્ટિશનર શબ્દ આવે અને ભૂગોળ સાથે સંકળાયેલ વ્યક્તિઓના મગજમાં ભારતની મધ્યમાં આવેલ રાજ્ય મધ્યપ્રદેશ ધ્યાનમાં આવે.
મધ્યપ્રદેશ એના પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રખ્યાત છે તેની સાથે સાથે તેના વિવિધ જિલ્લાની ખાસીયતો માટે. રતલામ એ એની તીખી રતલામી સેવ માટે જાણીતું છે તો ઈન્દોર એની કચોરી માટે, જબલપુર નર્મદાનદીના ધુંઆધાર ધોધ માટે, ભોપાલ એ રેલવે ખાતાના મધ્યઝોનનું જંકશન છે તો ઉજ્જૈન એ રાજા વિક્રમાદિત્ય અને મહાકાલની નગરી તરીકે પ્રખ્યાત છે. છીંદવાડાથી શરૂ કરીને ડિંડોરી અને ઉમરીયા સુધીનો પટ્ટો ભૂગર્ભ કોલસાના જથ્થા માટે પ્રખ્યાત છે. આજ મધ્યપ્રદેશના ખારગોન, બુરહાનપુર અને બૈતુલ તેમાં આવેલ જંગલો માટે પ્રખ્યાત છે. મધ્યપ્રદેશનું ઉજ્જૈન શહેર, ક્ષિપ્રા નદીના કિનારે વસેલું ઉજ્જૈન શહેર. રાજા વિક્રમાદિત્યની રાજધાની અને મહાકાલની નગરી. દેવાધિદેવ મહાદેવ સ્વયં પોતે ત્યાં બિરાજમાન છે. ઉજ્જૈન મહાકાલ મંદિરની પરોઢની ભસ્મ આરતી જોવા માટે અને એનો લાભ લેવા માટે રોજ કેટલાય ભક્તો વહેલી પરોઢે ભસ્મ આરતીનો લાભ લેવા લાઈનમાં ઉભા રહેતા હોય છે. ક્ષિપ્રા નદીના સામા કિનારે સંયમે ફાર્મ માટે જગ્યા શોધવાનું કામ સોંપ્યુ હતું જય તિવારીને. જયનો જ ફોન હતો.
સોહન રાવની સામે સંયમે જોયું અને સોહન રાવ ચેમ્બરની બહાર નીકળી ગયો.
ફોન ઉઠાવી સંયમે કહ્યું, “યસ જય.”
“સર, જય મહાકાલ, આપને કહ્યા મુજબની જગ્યા ઢુંઢી લીધી છે. આપ વીડીયોકોલ કરો મૈં જગ્યા ઉપર જ છું તો આપને જગ્યા બતાવી દઉં. આપ ઓન લાઈન એક બાર જોઈ લો પછી આપને યોગ્ય લાગે તેમ.” હિંદી ગુજરાતી મીક્ષ ભાષામાં જયે વાત કરી.
“ઓકે.” કહી ફોન કટ કરી સંયમે ફોન એના લેપટોપ સાથે કનેકટ કરી જયને વિડીયોકોલ કર્યો. થોડીક ક્ષણો પછી સામા છેડે ફોન રીસીવ થયો અને લેપટોપની સ્ક્રીન ઉપર જયનો ચહેરો દેખાયો. મજબૂત બાંધાનો આશરે ૩૦-૩૫ વર્ષનો યુવાન, કપાળમાં કંકુનું ઉભુ તિલક ક્લીન શેવ અને બ્લેક મૂછો આંકળા ચઢાવીને રાખી હતી. તેલ નાખી ઉભું ઓળેલું માથું એના લાંબા ચહેરાને વધુ લાંબો દેખાડી રહ્યો હતો.
“સર, જય મહાકાલ. મેરે પાછળ કી જે જમીન છે તે હમેં મળી જાય તેમ છે. હોલ્ડ કરો કેમેરા ચેન્જ કરીને બતાઉં.” કહીને જયે મોબાઈલનો બેક કેમેરા વ્યુ સિલેક્ટ કર્યો અને સંયમની સામે પ્રાકૃતિક હરિયાળા રંગે રંગાયેલી જમીન દેખાઈ આવી. “સર, યહાં સે એક સો એકડ જમીન મીલ શકે તેમ છે. એક છોટા મંદિર પણ છે. મહાદેવનું અને આગળ નાની પહાડી છે. આપ કહેતા હતા કે પ્રાકૃતિક જેટલું જ્યાદા હોય તેટલું સારૂ.” સ્ક્રીન ઉપરના દ્રશ્યો બદલાતા જતા હતા એટલે સંયમે અનુમાન લગાવ્યું કે જય ચાલતા ચાલતા વાત કરી રહ્યો હશે. “સર, આ છે એ મંદિર જેની હું બાત કરતો હતો.” સંયમની સ્ક્રીન ઉપર એક જુનું પુરાણું મહાદેવનું મંદિર હતું એની બાજુમાંથી ઝરણું પસાર થઈ રહ્યું હતું. સંયમને આ જગ્યા કંઈક પરિચીત લાગી. સંયમને એવું લાગ્યું કે આ જગ્યાએ એ રહેલો છે. આ મંદિરમાં એણે પૂજા કરી છે.
“મંદિરની પાછળથી પહાડી ઉપર ચઢો તો.” અનાયાસે સંયમે જયને સૂચના આપી. “જી સર” કહીને જય મંદિરની પાછળ તરફથી પહાડી ઉપર ચઢવા લાગ્યો. ચઢાણ બહુ કપરું ન હતું અને પગદંડી બનાવેલ હતી એટલે જયને ચઢવામાં બહુ વાર ન લાગી. થોડી વાર પછી પહાડીની ઉપર જય ચઢી રહ્યો હતો અને વડનું એક ઝાડ સ્ક્રીન ઉપર દેખાતા સંયમે કહ્યું, “યહાંસે રાઈટ ટર્ન કરકે થોડા આગે બઢો તો તીન કાલે પથ્થરોસે બની એક ગુફા હશે.” એકાએક એનાથી બોલી જવાયું, સંયમને પણ ખબર ન પડી કે આ ગુફાની વાત એના મોઢે કેમ આવી. સામે જયને પણ નવાઈલાગી કે, સંયમ આ જગ્યાથી કેવી રીતે પરિચીત છે. જય આગળ વધ્યો. તળેટીમાં મંદિર પાછળ જ્યાંથી તે ચઢ્યો હતો તેનાથી લગભગ પાછળ સુધી પહોંચ્યો હશે અને એની સામે ત્રણ વિશાળ કાળા પથ્થર નજરે ચઢ્યા જે ઘાસથી ઢંકાયેલા હતા. સંયમે કહ્યું, “અંદર જઈને જુ તો ધૂણીની શું હાલત છે.?”
“સર, અંદર કેવી રીતે જવું. રસ્તો બંધ છે.”
“ઓકે હું આવું ત્યારે રૂબરૂ વાત આવતા અઠવાડીયે આવુ છું.” કહી સંયમે ફોન કટ કર્યો.
જયને ધૂણી વિશે કેમ એનાથી પૂછાઈ ગયું એની સંયમને પણ ખબર ન પડી. એ પોતે જ પોતાના દ્વારા આપવામાં આવેલી સૂચનાઓથી વિચારે ચઢી ગયો.
સંયમ વિચારોમાં ખોવાઈ ગયો હતો. એ મહાદેવનું મંદિર એને ખૂબ જ પરિચિત લાગી રહ્યું હતું. એ પહાડી, ઝરણું વડનું ઝાડ બધું જ. સંયમને એવું લાગી રહ્યું હતું કે, આ બધી જ જગ્યા ઉપર એણે વર્ષો કાઢ્યા છે ઘણા બધા વર્ષો. જ્યારે હકીકતમાં સંયમ જાણતો હતો કે એ આજ પહેલા ક્યારેય ઉજ્જૈન રાત રોકાવવા ગયો જ નહતો અને એ પણ નદીના સામા કિનારે તો ક્યારેય નહિ.
સંયમ વિચારોમાં હતો. દરવાજા ઉપર ટકોરા પડ્યા અને સંયમની વિચારધારા તૂટી. “યસ” સંયમે કહ્યું અને સોહન રાવ અંદર દાખલ થયો.
“બોલ સોહન.”
“સર, સ્ટાફની ઈચ્છા છે કે, આપ બહાર આવો તો કેક કટ કરીએ.”
“ઓકે” કહીને સંયમ એની ચેરમાંથી ઉભો થઈને બહાર આવ્યો.
બહાર એનો સ્ટાફ એના આવવાથી ખુશ દેખાઈ રહ્યો હતો.
ઓફિસના વર્ક સ્ટેશનમાં એક ટેબલ ઉપર એક કેક ગોઠવવામાં આવી હતી. ચોકલેટ કેક, જેની ઉપર વ્હાઈટ ક્રીમથી લખેલું હતું, હેપ્પી બર્થ ડે. બાજુમાં એક કાર્ડ હતું. જેમાં લખ્યું હતું. વીશ યુ મેની મેની હેપ્પી રીટર્નસ ઓફ ધ ડે, હેપ્પી બર્થ ડે ટુ ધ વર્લ્ડસ મોસ્ટ કેરીંગ બોસ. સંયમ ખુશ થઈ ગયો. કેક ઉપર, એને બહાર આવતો જોઈને સોહને કેન્ડલ પ્રગટાવી હતી તે તેણે ફૂંક મારીને ઓલવી અને કેક કટ કરી. સમગ્ર ઓફિસ સ્ટાફે તાલીઓ પાડી અને હેપી બર્થ ડેનું જીંગલ ગાયું. કેક કટ કરી એક પીસ જાતે જ પોતાના મોઢામાં મૂકી એણે “થેંક્યુ” કહી બધાનું અભિવાદન કર્યુ અને સોહનને કેક સ્ટાફમાં વહેંચવાની સૂચના આપી. એના ખિસામાં રહેલો ફોન રણકી ઉઠ્યો એટલે એણે ફોન હાથમાં લઈ એની સ્ક્રીન સામે નજર કરી, ફીલીપ નામ ફ્લેશ થઈ રહ્યું હતું. “લંચમાં જોડે મળીએ છીએ બધા એક્સક્યુઝમી ફોર નાવ” કહીને એ પોતાની ચેમ્બરમાં ગયો.