કાળચક્ર ભાગ -૪
આટલી વારમાં ક્યાં ગાયબ થઈ ગયા હશે....? સંયમ વિચારતો રહ્યો અને વળી પાછું સંન્યાસીનું કહેલું વાક્ય એના કાનમાં ગુંજી ઉઠ્યું... “બંધ આંખે જે દેખાય છે તે સત્ય છે અને ખુલ્લી આંખે જે દેખાય છે તે ભ્રમ છે. હું આવી ગયો છું સંયમનાથ....”
રાજેશે એની રોજની આદત મુજબ કાર ટેપમાં અંબા સ્તુતી વગાડવાની શરૂ કરી એટલે સંયમ એના વિચારોમાંથી બહાર આવ્યો. કાર તેના નિયત માર્ગે આગળ વધી રહી હતી. જુહુ તરફથી ગાડી બાંદરા તરફ આગળ વધી રહી હતી. બાંદરા, ભારતની આર્થિક રાજધાની મુંબઈનો વધુ એક પોશ વિસ્તાર. કોઈ એક સમયે ત્યાં ગોદી હતી જેમાંથી માલ લોડિંગ અનલોડિંગની કામગીરી કરવા સારૂ ક્રેઈનનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થતો હશે અને ક્રેઈનને ગામઠી બોલીમાં વાંદરા તરીકે સંબોધવામાં આવતા.તે વાંદરા શબ્દ ઉપરથી આ વિસ્તારનું નામ બાંદરા પડ્યું હોવાનું કહેવાય છે. બાંદરા વિસ્તારમાં આવેલ એક આલીશાન કોમર્શીયલ બિલ્ડીંગનો ત્રીજો માળ એટલે સંયમ ત્રિવેદીની માલિકીની ત્રિવેદી ઈન્ડસ્ટ્રીઝની ઓફિસ. પાર્કિંગમાં ગાડી ઉભી રહી એટલે સંયમ ગાડીમાંથી ઉતરીને બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર ઉપરના ફોયરમાં દાખલ થયો. સિક્યોરીટીએ સલામ મારી સામે સંયમે એના સ્વભાવ મુજબ સ્મિત આપ્યું અને લીફ્ટ તરફ આગળ વધ્યો. ઉપરના માળ તરફથી લીફ્ટ નીચે આવી રહી હતી. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવીને લીફ્ટ અટકી, લીફ્ટમેને સંયમને જોઈને ગુડમોર્નિંગ સર કહી અભિવાદન કર્યું અને ત્રીજા માળનું બટન દબાવ્યું. સંયમે પણ સામે ગુડમોર્નિંગ કહ્યું અને લીફ્ટમા દાખલ થયો. ત્રીજા માળે લીફ્ટ ઉભી રહી અને સંજય લીફ્ટમાંથી બહાર આવ્યો. લીફ્ટની સામે જ વુડન ફુલ હાઈટનો ડોર હતો જેની ઉપર બ્રાસના લેટરથી લખેલું હતું ત્રિવેદી ઈન્ડસ્ટ્રીઝ. એક આત્મ સંતોષ સાથે સંયમ ત્રિવેદી એની ઓફિસમાં દાખલ થયો. આજે ઓફિસનો સમગ્ર સ્ટાફ મેઈન હોલમાં હતો. લગભગ બધાએ એક સાથે જ ગુડમોર્નિંગ સર કહ્યા પછી હેપી બર્થ ડે કહ્યું એક પછી એક દરેક સ્ટાફ મેમ્બર પાસેથી શુભેચ્છા મેળવાત મેળવતા પોતાની ચેમ્બરમાં ગયો. ઓફિસમાં સંયમ દાખલ થયો એની પાછળ પાછળ જ એના પી.એ. તરીકે ફરજ બજાવતો સોહન રાવ ચેમ્બરમાં દાખલ થયો. સંયમે એક નજર સોહન તરફ કરી અને પછી એના ટેબલ ઉપર રહેલું એનું લેપટોપ ઓન કરી, એક વેબસાઈટનું એડ્રેસ નાખી આઈ ડી અને પાસવર્ડ એન્ટર કર્યા અને એ સાથે જ સ્ક્રીન ઉપર ફેક્ટરીના સી.સી.ટી.વી. લાઈવ થઈ ગયા. સ્ક્રીન ઉપરના દ્રશ્યોને એક પછી એક ઝુમ કરીને ધ્યાનથી સંયમ જોઈ રહ્યો હતો. એ દ્રશ્યો હતા. ગીરમાં આવેલ ત્રિવેદી ફાર્મના જ્યાં મધમાખી ઉછેર કેન્દ્ર હતું. મધમાખીઓનો ઉછેર અને સંવર્ધન કરીને મધ એકત્રીત કરીને વેચવામાં આવતું હતું. એ દ્રશ્યો જોતા જોતા અનાયાસે સંયમને એના પિતા વિપુલચંદ્ર ત્રિવેદીની વાત યાદ આવી ગઈ. “બેટા, મધ કોઈ બનાવી નથી શકતું મધમાખીઓ સિવાય અને મધના પણ અલગ અલગ પ્રકાર છે. મધમાખીઓ જે ફૂલાની પરાગરજ એકત્રિત કરે છે એની સાથે પોતાની લાળ ભેળવીને એનો સંગ્રહ મધપૂડામાં કરે. મધ જે ફૂલોની પરાગરજમાંથી બનાવેલ હોય તે મુજબ તેના ગુણ આવે. શુઘ્ઘ મઘ આશરે 3000 વર્ષ સુધી બગડતું નથી એવું કહેવાય છે. માણસે તંદુરસ્તી જાળવવા રોજ એક ચમચી મધ, ગાયના દુધમાં ભેળવીને પીવું જોઈએ અને સાથે એક ચમચી હળદર પાવડર પણ ભેળવી દેવાનો. રોજ સવારે આવું નવશેકું દૂધ પીવાથી શરીરની ચામડીની ચમક રહે, ચરબી વધે નહિ અને હળદર લોહી શુધ્ધ કરે.” યુવાનીમાં પોતાના પિતાની આ વાતને ધ્યાને લઈને સંયમે સરકારી સબસીડીનો ઉપયોગ કરીને ગીરમાં ત્રિવેદી ફાર્મની સ્થાપના કરી અને શુધ્ધ મધના વેપારમાં પ્રવેશ કર્યો હતો. સંયમે ત્રિવેદી ફાર્મની ઓફિસના કેમેરા વ્યુને ફુલ સ્ક્રીન કર્યો. એની અપેક્ષા મુજબનું જ દ્રશ્ય એને જોવા મળ્યું. ત્રિવેદી ફાર્મ એ માત્ર મધમાખી ઉછેર કેન્દ્ર નહિ પરંતુ સંયમ ત્રિવેદીનું વતનનું ઘર હતું. આ શહેરી ભીડભાડથી દૂર, પ્રકૃતિની વચ્ચે પ્રદૂષણ મુક્ત ઘર અને એના ઘરની આગળનો ભાગ એટલે ત્રિવેદી ફાર્મની ઓફિસ. સ્ક્રીન ઉપરનું દ્રશ્ય જોઈને સંયમના ચહેરા ઉપર સંતોષનું સ્મિત આવ્યું. એક વડીલ કાઠિયાવાડી ચોયણી અને ઉપર પહેરણ પહેરીને બેઠા હતા. કપાળમાં ત્રિપુંડ હતું આંખો ઉપર નંબરના ચશ્મા હતા કાળી જાડી ફ્રેમના સ્કેર શેપના ચશ્મા પહેરીને પાટ ઉપર પલાઠી વાળીને બેઠેલ એ વડીલ કંઈક વાંચી રહ્યા હતા. પુસ્તકની જાડાઈ ઉપરથી સંયમે અંદાજ લગાવ્યો કદાચ ભાગવત ગીતાજીનો પાઠ કરી રહ્યા હશે. પોતાનો ફોન હાથમાં લઈને એને પિતાજી લખેલો નંબર ડાયલ કર્યો. નજર સ્કીન ઉપર જ રાખી થોડીક ક્ષણ પછી સ્કીન ઉપર દેખાતા વડીલની બાજુમાં રહેલ ફોનની સ્ક્રીન ચમકી એમણે ફોન ઉઠાવ્યો અને સામેની તરફ લાગેલા સી.સી.ટી.વી. તરફ જોઈને કહ્યું,
“જય અંબે ભાઈ, જન્મદિવસની શુભેચ્છાઓ.”
“જય અંબે બાપુજી, આપ અને બા કેમ છો. તબિયત સારી છે ને?”
“હા બેટા બધું જ સમુ સુથરુ છે. મહાદેવ અને મા ની દયા છે. તું જણાવ સ્મિતાવહુ અને બંને બાળકો કેમ છે? આ અઠવાડિયામાં આવે ત્યારે બધા ભેળા આવો તો સારૂ રહેશે.”
“હા બાપુજી પ્રયત્ન કરીશ બા ક્યાં છે.?”
“એ આપું એને. હશે ક્યાંક કામમાં.” કહીને સ્કીન ઉપર દેખાતા વડીલે પોતાની પલાઠી છોડી ધીમેથી ઉભા થયા અને સાદ પાડ્યો,
“કહુ છું સાંભળો છો.?” ફોનના સામા છેડે આ જ સાદ અને આજ લહેકામાં બાળપણથી સાંભળીને મોટા થયેલા સંયમના ચહેરા ઉપર આજે અનાયાસે સ્મિત આવી ગયું. સ્કીન ઉપરના સી.સી.ટી.વી. વિઝ્યુઅલ એક પછી એક ફેરવતા સંયમે રસોડાના સી.સી.ટી.વી.નું વિઝ્યુઅલ ફુલ વ્યુમાં કર્યું. બા રસોડામાં હતા અને ધીમા પગલે એના પિતા વિપુલચંદ્ર ત્રિવેદી રસોડામાં દાખલ થઈ રહ્યા હતા તે તેણે જોયું.
“લો ભાઈનો ફોન છે.” સાડીના પાલવથી હાથ ફટાફટ લૂછીને બે હાથે એ વૃધ્ધાએ ફોન હાથમાં પકડી કહ્યું “બેટા, જય અંબે જન્મદિવસની શુભેચ્છા બેટા, ભગવાન તને સો વરહનો કરે. આવો છો ને આ શનિ-રવિ આંયા બધાય. જો જે હોં ના ન પાડતો.” ફોનના સામા છેડેથી શબ્દ દ્વારા અસ્ખલિત રીતે વરસી રહેલ લાગણીની ભીનાશ સંયમની આંખોના ખૂણામાં દેખાઈ આવી. “હા બા આવી જાશું. તમે બોલો કંઈ લાવવાનું છે.?”
“ના ભાઈ તમે આવો બધાય એટલે ઘણું. લે તારા બાપુજીને આપું હોં અને બધાય તબિયત સાચવજો અને સરખું ખાજો પીજો છોકરાવને દુધ પીવડાવજે રોજ હળદર અને મધ વાળું. લે આવજે બેટા જય અંબે” કહીને ફોન એ વૃધ્ધાએ બાજુમાં ઉભેલા અને મા-દિકરાનો સંવાદ સાંભળી મલકી રહેલા વૃઘ્ઘને આપ્યો એ વૃઘ્ઘે ફોન કાને લગાવી કહ્યું “બોલો ભાઈ, બીજું કંઈ ?”
“ના બાપુજી શનિવારે આવું એટલે મળીએ. જય અંબે.”
“જય અંબે
ભાઈ” કહીને સામે છેડેથી ફોન કટ થયો એટલે સંયમે પણ ફોન કટ કર્યો. સંયમનો આ
રોજીંદો ક્રમ હતો અને એનો પી.એ. સોહન રાવ આનાથી માહિતગાર હતો. સંયમે જેમને ફોન
કર્યો હતો એ વૃધ્ધ એના પિતા વિપુલચંદ્ર ત્રિવેદી અને જે વૃધ્ધા હતા તે સંયમના માતા સુશીલાબેન ત્રિવેદી.
ફોન પતાવીને સંયમે સોહન તરફ જોઈને કીધું. “આજે ઓફિસમાં લંચ બધાએ ભેગા કરવાનું છે તેની સૂચના આપી દીધી છે ને.?” “જી સર અને કોન્ફરન્સ રૂમમાં લંચની વ્યવસ્થા ગોઠવાઈ પણ ગઈ છે.”
“ઓકે ગુડ.”
સંયમની વાત પૂર્ણ થઈ એ સાથે જ એના ફોનની રીંગ વાગી. સ્કીન ઉપર નામ ફ્લેશ થયું. જય એમ. પી.
No comments:
Post a Comment