Sunday, March 26, 2023

કાળચક્ર ભાગ -૯

 

કાળચક્ર ભાગ  -૯

એક માતાની નજરમાં એના સંતાનો હંમેશા નાના જ રહે છે.

“હા, બા.” હસતા હસતા સંયમે કહ્યું.

શિયાળાની બાજરીની મીઠાશ અલગ જ હોય છે. શિયાળુ બાજરીના ગામઠી શૈલીમાં રોટલા ચૂલા ઉપર બનાવવામાં આવે ત્યારે એની મીઠાશમાં અલગ જ વધારો થાય છે. આખી રાતની મુસાફરીનો થાક હતો અને ભૂખ પણ લાગી હતી. ગીરમાં ત્રિવેદી ફાર્મમાં સંયમ એના પરિવાર સાથે બેસીને જમી રહ્યો હતો. સુશીલાબેન ગરમ ગરમ રોટલા ઘડીને હેત પૂર્વક પોતાના પરિવારને જમાડી રહ્યા હતા. બાજરીના ગરમા ગરમ રોટલા ઉપર વલોણાનું તાજું માખણ, રીંગણ બટેકા અને તુવેરનું રસાવાળું શાક, તળેલા મરચાં, દેશી ગોળ, લસણની ચટણી, છાશ, ગરમ સુખડી અને પોતાની ઘરની વાડીમાં જ ઉગાડેલા મૂળા હતા. મુંબઈની આલીશાન હોટલમાં પણ આ મેનુ ન મળે જ્યારે આજે તો પોતાની મા ના હાથે ઘડેલા રોટલા સંયમ જમી રહ્યો હતો. સ્મિતા, શ્યામ અને વિશ્વા પણ ભોજનનો આનંદ લઈ રહ્યા હતા. જમીને બધા જ આરામ કરવા લાગ્યા. રાજેશ પણ ધરાઈને જમ્યો અને પછી એ પણ પાછળના રૂમો પૈકીની એક રૂમમાં જઈને સૂઈ ગયો. ત્રણ કલાકના આરામ પછી સંયમ ઉઠ્યો. બહાર ઓસરીમાં એના પિતા વિપુલચંદ્ર ત્રિવેદી બેઠા બેઠા ધાર્મિક પુસ્તક વાંચી રહ્યા હતા. સંયમને આવેલો જોઈને પુસ્તકમાં બુકમાર્ક મુકી પુસ્તક બંધ કર્યું. સુશીલાબેન બે કપ ચા લઈને બહાર આવ્યા, એક કપ વિપુલચંદ્રજીને અને એક કપ સંયમને આપી પોતે બાજુમાં ખુરશી ઉપર બેઠા. ગરમા ગરમ ચાની એક ચુસ્કી લીધી. ત્યાં બધું કેમનું છે ભાઈ?” વિપુલચંદ્ર ત્રિવેદીએ સંયમને પૂછ્યું.

બસ બાપુજી ચાલે રાખે છે.

અને તમે નવી જમીન ખરીદ કરવાનું વિચારતા હતા તેનું કામ કેટલે આવ્યું.” ”સોમવારે ઉજ્જૈન એના માટે જ જવાનું છે.

સારૂ ભાઈ, સાચવીને જજો અને હવે મારી નજરે આટલો ધંધો છે તે વધારે ફેલાવવો જરૂરી નથી. આપણને આપણી જરૂરીયાતથી વધુ મહાદેવે આપેલ છે.

હા બાપુજી, સાચી વાત છે. પણ જે ધંધો હાલ છે એની જરૂરીયાત માટે જમીન લેવી છે.

ભલે ભાઈ તમને ઠીક લાગે તેમ કરો. સ્મિતા, શ્યામ અને વિશ્વા પણ ઉઠીને આવી ગયા અને રાજેશ પણ ઉઠી ગયો હતો. રાજેશ લાખા અને જગા સાથે બેઠો. એ લોકો એમની વાતોમાં લાગ્યા. વિપુલચંદ્ર ત્રિવેદી અને સુશીલાબેન આજે ખૂબ જ ખુશ હતા. પોતાની મૂડીના વ્યાજની સાથે એટલે સંતાનોના સંતાનો સાથે સમય પસાર કરવા મળે તેનાથી વધુ આનંદની વાત વડીલો માટે નથી હોતી. વિપુલચંદ્ર અને સુશીલાબેન બંને આવી જ આનંદની પળો પોતાના પરિવાર સાથે માણી રહ્યા હતા. વિપુલચંદ્ર ત્રિવેદી પોતાનો ભૂતકાળ જોતા હોય તેમ સામેની દિવાલ તરફ જોઈ રહ્યા હતા. એક સામાન્ય બ્રાહ્મણ પરિવારના સહુથી મોટા બાળક તરીકેનો જન્મ. એ પછી સરકારી શાળામાં અભ્યાસ કરી પોતાની જાત મહેનતથી આગળ વધ્યા. બોર્ડમાં તાલુકામાં પાંચમા નંબરે ઉત્તીર્ણ થયા અને શિષ્યવૃત્તિ મેળવી કોલેજ પૂરી કરી સરકારી નોકરીમાં કારકૂન તરીકે જોડાયા ત્યારે સ્વપ્નમાં પણ વિચાર્યું  ન હતું કે એક દિવસ વિપુલચંદ્ર ત્રિવેદીની ઓળખ દેશના જાણીતા ઉદ્યોગપતિના પિતા તરીકે થશે.સમય પસાર થતો ગયો. ઈમાનદારી પૂર્વકની નોકરીથી એમના ખાતામાં એમની એક આગવી ઓળખ ઉભી થઈ હતી. સમય પસાર થયો અને વિપુલચંદ્ર ત્રિવેદી સુશીલાગૌરી સાથે ગૃહસ્થ જીવનમાં ગોઠવાઈ ગયા. એ સમયે ક્યાં આજની જેમ છોકરા-છોકરીને એક બીજાને જોવા, જાણવા કે વાત કરવા મળતું હતું. એક જ સમાજ હતો અને વડીલો એક બીજાને ઓળખતા હતા. બસ કોઈએ આંગળી ચીંધી અને સગપણના ગોળધાણા ખવાઈ ગયા અને લગ્નના ગીતો પણ ગવાઈ ગયા. સુશીલાગૌરી સાથેના લગ્ન બાદ કિસ્મત ખૂલી ગઈ. નોકરીમાં પ્રમોશન મળ્યું અને એક મિત્ર સાથે સુશીલાગૌરીના નામથી ધંધામાં ભાગીદારી કરી અને પછી આર્થિક પરિસ્થીતી બદલાઈ ગઈ. વિપુલચંદ્ર ત્રિવેદી અને સુશીલાગૌરીના લગ્નના પાંચ વર્ષ પછી એમના દામ્પત્યજીવનમાં પુત્ર રત્નનું આગમન થયું. કુંભ રાશી હોવાથી નામ રાખ્યું સંયમ. કરકરસ પૂર્વકના જીવનથી કરેલી બચત અને ધંધામાંથી થયેલ આવકનો ઉપયોગ વિપુલચંદ્ર અને સુશીલાએ પાતોના બાળકના સારામાં સારા અભ્યાસમાં કર્યો. પોતે સરકારી શાળામાં ભણ્યા હતા પરંતુ સંયમને પ્રાઈવેટ શાળામાં અભ્યાસ માટે દાખલ કર્યો. સંયમ પણ જાણે પોતાના પિતાના સ્વપ્નને સાકાર કરતો હોય તેમ સારામાં સારા પર્સન્ટેજથી પાસ થઈ રહ્યો હતો. માત્ર અભ્યાસમાં જ નહિ પરંતુ શાળાની રમત ગમત પ્રવૃત્તિઓમાં પણ સંયમ હંમેશા આગળ રહેતો. શું વિચારમાં ખોવાઈ ગયા બાપુજી?” સંયમનો અવાજ આવતા વિપુલચંદ્રની વિચારોની શૃંખલા અટકી.

કંઈ નહિ ભાઈ બસ આમ જ જરા કહીને વિપુલચંદ્રએ વાતને હસી કાઢી અને આગળ કહ્યું

ભાઈ, આ વખતે આ મધમાખીની પેટીઓ થોડી વધારે મૂકવી પડશે અને આ પાછળની જે જમીન છે એમાં બાગાયતી ખેતી કરી ફૂલો વાવીએ તો કેવું.? સીઝનેબલ ફૂલનું મધ આપણને મળે. બાપુજી, આ ખેતી વાડી અને આયુર્વેદની બાબતમાં આપ મારાથી વધારે જાણો છો. આપ જે યોગ્ય લાગે તે નિર્ણય લો.

ચાલો હવે સાંજની આરતીનો સમય થઈ ગયો છે. અંદરથી સુશીલાગૌરી- સુશીલાબેનનો અવાજ આવતા વિપુલચંદ્ર અને સંયમ ઊભા થઈને અંદર ગયા. ઘરના જ એક રૂમમાં બનાવેલા મંદિરમાં પૂજા માટે ગયા. પૂજા પૂરી થયા બાદ રાત્રે જમવામાં વઘારેલી ખીચડી અને છાશ હતી. બપોરની જેમ જ પરિવારના બધા જ વ્યક્તિઓએ ભેગા જમ્યા. રાત્રે મોડા સુધી બધાએ વાતો કરી. રાજેશ લાખા અને જગા સાથે વાતોમાં જામ્યો હતો. રાત્રે મોડા સુધી વાતો કરી અને બધા સૂઈ ગયા. ગીર એટલે ગીર ગાયનું નિવાસસ્થાન, ગીર એટલે એશિયાટીક લાયનનું નિવાસસ્થાન, ગીર એટલે ગરવા ગીરનારની તળેટીનો પ્રદેશ, માલધારી, આહિર અને ચારણોના નેસનો પ્રદેશ. ગીર તેની મહેમાનગતિ માટે પણ વિશ્વ વિખ્યાત છે. ગીરની મહેમાનગતિ રાજેશ અવાર-નવાર માણી ચૂક્યો હતો તો પણ આજે ફરીથી મહેમાનગતિ માણીને અભિભૂત થઈ ગયો હતો. આગ્રહપૂર્વક રાજેશને સુશીલાબેને જમાડ્યો હતો એટલે એ પણ બાકી બધાની જેમ જ ઘેરી ઉંધમાં હતો.  ગીરના સાવજની ડણક પાંચ કિલોમીટર દૂર સુધી સંભળાય છે. વહેલી પરોઢે સંયમના પરિવારને આવી જ ડણક સંભળાઈ. સંયમ ઉંઘમાંથી ઉઠ્યો અને લાઈટ કરી બહાર આવ્યો. લાઈટ ચાલુ થવાથી વિપુલચંદ્ર ત્રિવેદી પણ ઉઠીને બહાર આવ્યા. પોતાના પિતાને જોઈને સંયમે કહ્યું લાગે છે સાવજે નજીકમાં ક્યાંક મારણ કર્યું છે. હા મારણ તો કર્યું છે પણ નજીકમાં નહિ કર્યું હોય એનો અવાજ દૂરથી આવી રહ્યો છે. સાવજની ડણક અને લાઈટ બંનેથી સ્મિતા અને ઘરના બીજા પણ ઉઠી ગયા. રાજેશ પણ ઉઠી ગયો હતો એણે સાવજની ડણક પહેલી વાર સાંભળી હતી એ ડરી ગયો હતો. લાખો અને જગો એની પરિસ્થિતી સમજતા હતા. પ્રાણી સંગ્રહાલયમાં પાંજરામાં ડાલામથ્થાને જોવો અને તેની ડણક સાંભળવી એ એક વાત છે અને પોતાના પ્રાકૃતિક નિવાસ સ્થાનમાં મારણ કર્યા બાદ પોતાનું વર્ચસ્વ જાહેર કરતી સાવજની ડણક સાંભળવી અલગ વાત છે. રાજેશની આંખોમાંથી ઉંઘ ગાયબ થઈ ગઈ હતી અને ભય સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. વિપુલચંદ્ર ત્રિવેદીએ કહ્યું ચાલો સૂઈ જાવ હજુ સવાર થવાની વાર છે. બધા પાછા પોતાના રૂમમાં સૂવા ચાલ્યા ગયા અને સૂઈ ગયા પણ રાજેશની આંખોમાંથી ઉંઘ ગાયબ થઈ ગઈ હતી તે વહેલી સવારે એને ઉંઘ આવી.

Sunday, March 19, 2023

કાળચક્ર ભાગ -૮

 

કાળચક્ર ભાગ -૮

વ્રજ્રાનાથજીએ કહ્યું, ગાઓ. સદાશીવે આંખો બંધ કરી દેવાધિદેવ મહાદેવને યાદ કરીને શીવતાંડવનો પાઠ શરૂ કર્યો અને વ્રજ્રનાથજીએ પણ આંખો બંધ કરી એકચિત થઈને સાંભળવાનું શરૂ કર્યું. 

શીવ તાંડવનો પાઠ પૂરો થયો. વ્રજ્રનાથજીએ આંખો ખોલી. એમની આંખોમાં એક તૃપ્તિનો ભાવ હતો. તેરા લડકા બડા કિસ્મતવાલા હૈ. આગે ચલકર વો મહાદેવ કી સેવામાં હી રહેગા. સાત સાલ બાદ ઉજ્જૈનમેં કુંભમેલા હૈ. વહાં અપને પરિવાર કે સાથ આ જાના. મહાદેવ કી ઈચ્છા મૈં જાન ગયા હું. વ્રજ્રનાથજી બોલ્યા.

એમનો કહેવાનો ગુઢાર્થ તો ગીરજાશંકર દવે સમજી ન શક્યો પણ ભાવાર્થ જરૂર સમજી ગયો કે બાપજીએ ઉજ્જૈન કુંભમેળામાં આવવાનું કહ્યું છે અને તે ખુશ થયા છે.

એ પછી તો બાકીના દિવસોમાં જાણે નિયમ બની ગયો. વ્રજ્રનાથજી રોજ સદાશીવને બોલાવે, શીવ તાંડવ અને શીવ મહિમ્નનો પાઠ કરાવે અને પછી જાત જાતની શીવજીની વાતો કરે. બાળ સદાશીવના મનમાં રહેલા ભક્તિના બીજને વ્રજ્રનાથજી પોતાની વાતોથી પોષી રહ્યા હતા. ગીરજાશંકરને વિશેષ તો કંઈ ખબર ન પડી, પણ એ મનોમને હરખાતો હતો કે એના પુત્ર સદાશીવ ઉપર મહંત વ્રજ્રનાથજી હેત ધરાવે છે.

---------------------------------------------------------------------------------------

સંયમને ખબર ન પડી કે કેટલો સમય વ્યતિત થયો છે. પરંતુ ફરી પાછું ગઈકાલ વાળું દ્રશ્ય એની સામે ઉપસી આવ્યું. ફરીથી એ જ ગંદકી, એ જ ઉપર તરફ ગતિ કરવી એ જ નૈસર્ગિક દ્રશ્યો, એ જ હંસો, એ જ ઝરણા..અને ફરીથી એ જ રીતે નીચે તરફ ગતિ કરવી અને પાછો એ જ અવાજ સંભળાયો. ચિંતા ન કરીશ સંયમનાથ હું તને લેવા આવીશ.. સંયમ આજે અકળામણ અનુભવી રહ્યો હતો. આજે સતત બીજો દિવસ હતો. ગઈકાલના જ દ્રશ્યો આજે ફરી દેખાયા હતા. પોતાની અકળામણ ખંખેરી સ્વસ્થ થઈ રોજીંદી પૂજા માટે તૈયાર થઈ નીચે આવ્યો. રોજીંદો નિત્યક્રમ પરવારી સંયમ અને સ્મિતા બ્રેકફાસ્ટ માટે ડાઈનીંગ ટેબલ ઉપર ગોઠવાયા. શ્યામ અને વિશ્વા તેમની કોલેજ જવા નીકળી ગયા હતા. શ્યામ એમ.બી.એ.ના લાસ્ટયરમાં અને વિશ્વા બી.બી.એ.ના ફર્સ્ટયરમાં હતી. બ્રેકફાસ્ટ ટેબલ ઉપર સ્મિતા સાથે પોતાના વતન ગીર જવાની ગોઠવણ કરી. બંને બાળકો કોલેજથી સાંજે આવી જાય તે પછી સાંજે નીકળીને નાઈટ ડ્રાઈવ કરી સવારે ગીર પહોંચવું અને શનિ-રવિ વતનમાં રોકાઈ સ્મિતા અને બંને બાળકો રવિવારે રાત્રે મુંબઈ આવવા નીકળે અને પોતે રવિવારે રાત્રે ઉજ્જૈન બાય બસ જવા નીકળે તેવી ગોઠવણી કરી. બ્રેકફાસ્ટ પતાવી રાજેશને ફોન કર્યો સામાન્ય રીતે રોજ બરોજની અવર જવર માટે સંયમ વેગન આર ગાડી વાપરતો પણ આવી લોંગ ટ્રીપમાં જવા માટે એની પાસે ઈનોવા ગાડી હતી. ઓફિસ આવી રાજેશને પરત મોકલી ઈનોવા ચેક કરી ડિઝલ પૂરાવવાની અને એર પ્રેશર ચેક કરાવવાની તથા ટુલ કીટ જોઈ લેવાની સૂચના આપી, રાજેશને પરત ત્રિવેદી મેન્શન મોકલ્યો અને નાઈટ ડ્રાઈવ કરવાનું હોવાથી આરામ કરવાની સૂચના આપી અને જણાવ્યું કે, હું સાંજે કેબ કરીને ઘરે આવી જઈશ. ઓફિસમાં દાખલ થઈ પોતાની ચેમ્બરમાં જઈને સંયમે સોહન રાવને ચેમ્બરમાં બોલાવી ધંધાકીય પ્રવૃત્તિમાં સંયમ પરોવાયો. જય  તિવારીને પોતે સોમવારે સવારે બાય  બસ ઉજ્જૈન આવે છે તેવી સૂચના આપી. દિવસ આખો ધંધાકીય પ્રવૃત્તિઓમાં, આગામી પ્રોજેક્ટના આયોજનો, જુના સેલ્સના કલેક્શન, નવા ડિસ્ટ્રીબ્યુટરો અને ફોરેન એક્ષપોર્ટની મીટીંગોમાં વ્યસ્ત ગયો. સાંજે ૫.૦૦ વાગે સંયમ ઓફિસથી ઘરે જવા નીકળ્યો. એપ્લીકેશનથી કેબ બુક કરાવી હતી. કેબ આવી ગઈ હતી. ડ્રાઈવરે વેલકમ કર્યું અને સંયમ કેબમાં પોતાના ત્રિવેદી મેન્શન તરફ જવા નીકળ્યો. પોતાના ઘરની નજીક આવતા અનાયાસે એની નજર સામે ગઈકાલે સાંજની અને રાત્રે એ જ્યારે વોક ઉપર નીકળ્યો હતો તે ઘટના તાજી થઈ ગઈ. એણે બેબાકળા થઈને આજુ બાજુ જોયું પણ પેલા સાધુ-સંન્યાસી ત્યાં ન હતા. એક હળવી બ્રેક વાગી અને ત્રિવેદી મેન્શનના ગેટ પાસે ગાડી ઉભી રહી. સંયમ ગાડીમાંથી ઉતર્યો ડ્રાઈવરે એના મોબાઈલમાં ઓર્ડર કમ્પલીટ સ્ટેટસ અપડેટ કર્યું એટલે સંયમના મોબાઈલમાં ફેરની રકમનો મેસેજ આવ્યો. એ મેસેજ જોઈ સંયમે પોતાના પાકીટમાંથી ૫૦૦.૦૦ ની નોટ કાઢી ડ્રાઈવરને આપી, છૂટા નહિ હૈ સાહબ, ડ્રાઈવરે થોડાક કંટાળા તથા નિરાશા સાથે કહ્યું. છૂટે મુજે ચાહિયે ભી નહિ. અપને બચ્ચો કે લીયે કુછ લે જાના. હસતા ચહેરે સંયમે ડ્રાઈવરને કહ્યું અને ડ્રાઈવરના ચહેરા ઉપર આભારની લાગણી દેખાઈ આવી. થેન્ક યુ સર. કહી ડ્રાઈવરે ગાડી સ્ટાર્ટ કરી. પોતાના શેઠને ગેટની બહાર ગાડીમાં આવેલા જોઈને સિક્યોરીટી ગાર્ડે દરવાજો ખોલી બહાર આવ્યો અને સંયમના હાથમાંથી એની બ્રીફકેસ લેવા હાથ લાંબો કર્યો. નહિ જાનકીરામ તુમ ગેટ પર રહો મેં ઈસે લે જાતા હું કહીને સંયમે જાનકીરામને ગેટ ઉપર જ રહેવાની સૂચના આપી. પોતાના બંગલામાં દાખલ થયો. પોતાના બંગલામાં દાખલ થઈને સંયમે નિયમ મુજબ હાથ પગ ધોઈને ઘરમાં પહેરવાના સ્લીપર્સ પહેર્યા અને પોતાના રૂમમાં ફ્રેશ થવા ગયો. શ્યામ, વિશ્વા,સ્મિતા ત્રણે તૈયાર હતા. સ્મિતાએ સંયમની બેગ પણ પેક કરી દીધી હતી. સાંજે જોડે ડિનર લઈને ચારે જણ ગીર જવા રવાના થયા. સંયમના પરિવારની ગેર હાજરીમાં ત્રિવેદી મેન્શનની સંપૂર્ણ જવાબદારી જોશી કાકાની રહેતી હતી. રાજેશને આજે દિવસે પૂરો આરામ મળેલ હોઈ રાજેશ ફ્રેશ હતો. સામાનની બેગો પાછલી સીટમાં મૂકી, રાજેશ ડ્રાઈવીંગ સીટ ઉપર ગોઠવાયો અને તેની બાજુમાં સંયમ વચ્ચેની સીટમાં વિશ્વા અને સ્મિતા અને શ્યામ પાછળની સીટમાં બેઠો. બધા જ ગોઠવાઈ ગયા છે તેની ખાતરી કરીને રાજેશે ગાડી સ્ટાર્ટ કરી અને ગાડી ત્રિવેદી મેન્શનની બહાર નીકળી ગીર તરફ.  લગભગ સોળ થી સત્તર કલાકનો રસ્તો હતો. સંયમે પોતાની ઘડિયાળમાં જોયું સાંજના ૮.૦૦ વાગ્યા હતા. બીજા દિવસે લગભગ બપોરે ૧.૦૦ વાગે  ગીર પહોંચી જવાશે એવી ગણતરી હતી. ગાડી વાપીથી વડોદરાથી ભાવનગર થઈને અમરેલી જવાની હતી. ઈનોવામાં ડિસપ્લેમાં ગુગલ મેપ ચાલુ હતો. નવસારી પાસેની એક હોટલે સંયમે ગાડી સાઈડમાં લેવા સૂચના કરી. સંયમ જાણતો હતો કે રાજેશ ભલે ન બોલે પણ સતત ડ્રાઈવ કરીને થાકી ગયો હશે. ગાડી સાઈડ થઈ સંયમે રાજેશને કહ્યું ચાલ ચા પી લઈએ. ગાડીમાં પાછળ સંયમનો પરિવાર અડધી ઉંઘમાં હતો એમની સામે જોઈને કહ્યું તમારામાંથી કોઈને ચા પીવી હોય તો આવો. સ્મિતા, શ્યામ અને વિશ્વા નીચે ઉતર્યા ચા નથી પીવી ખાલી ફ્રેશ થઈને આવીએ. રાજેશ અને સંયમે ચા પીઘી અને સવારી આગળ વધી. વહેલી પરોઢે ફરીથી સંયમે ફરીથી એક સારી હોટલે ગાડી સાઈડ કરાવી હોટલમાં એક રૂમ રાખ્યો ફ્રેશ થવા માટે ફરીથી ચા નાસ્તો કરીને આગળ ગીર તરફ વધી. રાજેશના વગર કહ્યે સંયમ એની મનોદશા સમજી જતો હતો. રાજેશ તથા ત્રિવેદી મેન્શનના તમામ સ્ટાફ સંયમના આવા ગુણોના કારણે જ સંયમ પ્રત્યે એક આદરભાવ ધરાવતા હતા.

--------------------------------------------------------------------------------------------

માતાનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી અને સ્ત્રી માતા બને અને પછી જ્યારે નાની કે દાદી બને છે ત્યારે પુત્ર કે પુત્રીના પ્રેમથી વધુ પ્રેમ પોતાના પૌત્ર અને પૌત્રીઓ કે દોહિત્ર અને દોહિત્રીને આપે છે. સ્ત્રી જ્યારે દાદી કે નાની બની જાય છે ત્યારે પોતાના સંતાનોના સંતાનો માટે કોઈ કામ કરવા માટે એની ઉંમર કે શારીરિક મર્યાદા ક્યારેય બાધા રૂપ નથી બનતી. ગીરમાં પણ આવું જ કંઈક બની રહ્યું હતું.

ત્રિવેદીજી, આ ગોળ જરા ભાંગી આપોને. હમણાં બાળકો આવતા હશે અને પાછા ભૂખ્યા થયા હશે. લાલા અને મારી વિશુને સુખડી બહુ ભાવે છે તો એમના માટે ગરમ સુખડી બનાવી છે. સુશીલાબેન ત્રિવેદી, સંયમના માતાએ રસોડામાંથી બહાર આવતા તેમના પતિ વિપુલચંદ્ર ત્રિવેદીને કહ્યું. હસતા ચહેરે વિપુલચંદ્ર ત્રિવેદીએ એમની ભાર્યાના હાથમાંથી કથરોટ લઈ લીધી. કથરોટમાં દેશી ગોળનું દડબું (મોટો ટુકડો-દડબું એ કાઠિયાવાડી ભાષામાં વપરાતો શબ્દ છે.) અને ચપ્પું કથરોટમાં હતા. વિપુલચંદ્ર ત્રિવેદીએ ઘડિયાળમાં જોયું સવારના સાડા અગિયાર થયા હતા. હજુ સંયમને આવતા સહેજે દોઢ કલાક થાય તેમ હતું. વિપુલચંદ્ર ત્રિવેદીએ ગોળ સમારવાનું કામ શરૂ કર્યું. રસોડામાંથી રીંગણ બટેકાના શાકની સુગંધ ઘરમાં પ્રસરી રહી હતી, ગીરની ગાયના દૂધની વલોણાની છાશ તૈયાર હતી. બાજરીના રોટલા બનાવવા માટે ચૂલો તૈયાર હતો. સંયમ આવે એટલે ગરમા ગરમ રોટલા બનાવવા માટે સુશીલાબેન ત્રિવેદીના હૈયામાં થનગનાટ હતો. લગભગ ૧.૦૦  વાગે સંયમની ગાડી ત્રિવેદી ફાર્મમાં દાખલ થઈ. વિપુલચંદ્ર ત્રિવેદી ઘરની ઓસરીમાં આવીને પોતાના પરિવારને આવકારવા ઉભા  રહી ગયા. રાજેશે ગાડી પાર્ક કરી. ત્રિવેદી ફાર્મમાં કામ કરતા લાખાજી અને જગાજી પણ ગાડી આવતી જોઈને સામાન ઉતરાવવા આવી ગયા. સંયમ એના પિતા વિપુલચંદ્ર ત્રિવેદીને પગે લાગ્યો અને વિપુલચંદ્ર ત્રિવેદીએ પોતાના દિકરાને છાતી સરસો ચાંપ્યો અને અંતરના ઉમળકાથી આવકારો આપ્યો, “આવો ભાઈ, આવો આવો.” પતિના પગલે ચાલીને સ્મિતાએ પણ પોતાના પિતા સમાન સસરાને પગે લાગી. પુત્રથી વધુ જેનું સ્થાન છે તે પુત્રવધુ સ્મિતાને પણ વિપુલચંદ્ર ત્રિવેદીએ બે હાથથી નમસ્કારની મુદ્રા કરી આવકારો આપ્યો. “આવો વહુ દિકરા.” શ્યામ અને વિશ્વા પણ દાદાને પગે લાગ્યા બંને બાળકોને દાદા વિપુલચંદ્રએ બાથમાં લીધા. રાજેશે પણ વિપુલચંદ્ર ત્રિવેદીને ચરણ સ્પર્શ કર્યા. વિપુલચંદ્રએ રાજેશને આવકારતા કહ્યુ, “આવ ભાઈ આવ.” વિપુલચંદ્ર ત્રિવેદીની પાછળ બધા જ ઘરમાં ગયા. સુશીલાબેને પોતાના પરિવારને આવકાર્યો અને કહ્યું, “ચાલો બધા ફટાફટ હાથપગ ધોઈને ગરમ ગરમ જમવા બેસી જાવ પછી બીજી વાત.”

એક માતાની નજરમાં એના સંતાનો હંમેશા નાના જ રહે છે.

“હા, બા.” હસતા હસતા સંયમે કહ્યું.

Sunday, March 12, 2023

કાળચક્ર ભાગ - ૭

 

કાળચક્ર ભાગ - ૭ 

આ પહેલા એ ટેકરી ઉપર ક્યારેય ગયો નથી તો પછી તેની પાછળની બાજુ કાળા પથ્થરોથી બનેલી ગુફા છે તેની જાણ મને કેમ થઈ? સંયમના મનમાં આ વિચારોનો પ્રવાહ ચાલુ હતો અને સાથે સાથે શાવરમાંથી સંયમના મજબૂત દેહ ઉપર પાણીનો પ્રવાહ પણ.

રૂમનો દરવાજો ખૂલવાનો અવાજ આવ્યો અને સંયમે શાવર બંધ કર્યો અને ટોવેલ વીંટી બહાર આવ્યો. એના અનુમાન મુજબ જ બહાર સ્મિતા હતી. પાણીની બુંદો સંયમના શરીર ઉપર હજી પણ હતી. સ્મિતા સંયમની નજીક આવી અને સંયમની છાતી ઉપર પોતાનો હાથ ફેરવ્યો. સંયમે સ્મિતાને ખેંચીને પોતાની બાથમાં લઈ લીધી અને એના ગાલે એક ચુંબન ચોડી દીધું. બસ હવે છોકરા મોટા ગયા પણ તમે એવા ને એવા રહ્યારમતીયાળ સ્મિત સહિત સ્મિતાએ મીઠા છણકાથી સંયમને કહ્યું અને સંયમથી અલગ થઈ. ચાલો જલ્દી તૈયાર થઈને નીચે આવો. કહીને સ્મિતા નીચે ડાઈનીગં રૂમમાં ગઈ. થોડીવારે તૈયાર થઈને સંયમ પણ નીચે આવ્યો. સફેદ ચૂડીદાર અને કુર્તામાં એ સરસ દેખાતો હતો. નીચે ડાઈનીંગ એરીયામાં ત્રિવેદી મેન્શનનો પૂરો સ્ટાફ હાજર હતો. જોશી કાકા, સ્મિતા, શ્યામ, વિશ્વા, રાજેશ, મહારાજ અને બીજા તમામ વ્યક્તિઓ ડ્રોઈંગરૂમમાં હાજર હતા. સંયમે જોશી કાકાને ચરણ સ્પર્શ કર્યા. જોશી કાકાએ એને આશીર્વાદ આપતા કહ્યું ઈશ્વર તારું કલ્યાણ કરે, બેટા. તે પછીથી મહારાજ, રાજેશ અને બીજા તમામ વ્યક્તિઓએ સંયમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. ત્રિવેદી મેન્શનના દરેક સભ્ય માટે સ્મિતાએ ગીફટ ખરીદી હતી જે સંયમે સ્મિતાની સૂચના અનુસાર આપી. બંગલાના પાછળના ભાગમાં આવેલ ગાર્ડનમાં ડિનરની ગોઠવણી કરવામાં આવી હતી. સંયમ, સ્મિતા, શ્યામ અને વિશ્વા ઘરના દરેક સભ્યોએ આજે ત્રિવેદી મેન્શનના સ્ટાફને ડિનર સર્વ કર્યું અને પોતે બધાને જમાડીને જમ્યો. ડિનર પૂરું કરીને સંયમે સ્મિતાને કહ્યું આજે જરા બહાર વોક કરવાની ઈચ્છા છે. હું વોક કરીને આવું. સામાન્ય રીતે બંગલાના પાછળના ગાર્ડનમાં રોજ ચાલવાની ટેવ વાળા સંયમે આજે બહાર રોડ ઉપર વોક કરવા જવાની ઈચ્છા દર્શાવી તે સ્મિતાને અજુગતી લાગી પણ ગાર્ડનમાં હમણાં જ ડિનરપાર્ટી પૂરી થઈ હતી એટલે કદાચ આજે સંયમે બહાર રોડ ઉપર વોક કરવાનું મન બનાવ્યું હશે તેવું માનીને સ્મિતાએ ઓકે કહ્યું. સંયમ બહાર ચાલવા નીકળ્યો. ગેટની બહાર નીકળીને સંયમે એમ જ જમણી તરફ ચાલવાનું શરૂ કર્યું. થોડીક વાર પછી એને એવું લાગ્યું કે એની પાછળ કોઈ એક સલામત અંતર રાખીને ચાલી રહ્યું છે. એણે પાછળ વળીને જોયું તો એની પાછળ પેલા સાધુ-સંન્યાસી ચાલી રહેલ હતા. એમની ચાલ એવી રીતની હતી કે જાણે તે હવામાં તરી રહ્યા હોય. એમને જોઈને સંયમ ઉભો રહી ગયો. પેલા સાધુ-સંન્યાસી નજીક આવ્યા. સંયમથી અનાયાસે જ એમની સામે હાથ જોડાઈ ગયા. પેલા સાધુ-સંન્યાસી નજીક આવ્યા, સંયમના માથે એમણે હાથ મૂક્યો અને કહ્યું, સંયમનાથ પરત ફરવાની તૈયારી કરો. જી ગુરૂદેવ સંયમે કહ્યું. સંયમને એના મસ્તિષ્કમાં એક ઝણઝણાટી અનુભવાઈ, એની આંખો બંધ થઈ એકાદ પળ પછી સંયમે આંખો ખોલી એ રોડ ઉપર એ એકલો જ ઉભો હતો. એ સમજી નહતો શકતો કે, પેલા સાધુ-સંન્યાસી ક્યાંય દેખાતા ન હતા. સંયમ પોતાના બંગલે પરત આવ્યો.  પોતાના રૂમમાં આવી એણે નાઈટ ડ્રેસ પહેર્યો અને પોતાના ડબલ બેડમાં આડો પડ્યો. સ્મિતા આવી એણે સંયમની છાતી ઉપર માથું મૂકયું. સંયમે પ્રેમ પૂર્વક એના માથે હાથ ફેરવ્યો અને બેડની બાજુના સ્વીચબોર્ડ તરફ હાથ લંબાવી મેઈનલાઈટ બંધ કરી અને ડીમ લાઈટ ચાલુ કરી સ્મિતાને પોતાની નજીક ખેંચી.

સાધુ સંતો જેને અમૃતવેલા કહે છે તેવો વહેલી પરોઢનો ત્રણ વાગ્યાનો સમય થયો હતો. રોજની જેમ જ સંયમની આંખો ખૂલી ગઈ. તે પથારીમાંથી બેઠો થયો. સ્મિતાના ચહેરાની સામે જોયું. પંચાવનની વય પૂરી થઈ હોવા  છતાં સ્મિતાના ચહેરાની ચમક અને માસુમીયત અલગ જ દેખાતી હતી. એના ચહેરા ઉપર શાંતિના અને સંતોષના ભાવ દેખાતા હતા. ડબલબેડમાંથી ઉઠીને સંયમ વોશરૂમમાં ગયો. મોઢું ધોયું અને હળવેથી બાજુના પોતાના રૂમનો દરવાજો ખોલી પોતાના રૂમમાં ગયો. વર્ષોથી જેનો અભ્યાસ કરતો આવતો હતો તે મુજબનો પ્રાણાયામ કરીને પૂર્વ દિશામાં મોઢું રહે તે રીતે પદ્માસન લગાવી ધ્યાનની શરૂઆત કરી.  થોડાક સમયમાં સંયમના માનસપટ ઉપર દ્રશ્યો અંકિત થવા લાગ્યા.

------------------------------------------------------------------------------------------

ગુજરાતની ધરતી પર સોલંકી વંશનો સૂર્ય તપી રહ્યો હતો. સોલંકી વંશની આણ ગુજરાતના પ્રદેશ ઉપર પ્રવર્તિ રહી હતી. રાજા કર્ણદેવ સોલંકીના નેતૃત્વમાં ગુજરાતની પ્રજા અને ગુજરાતની સીમાઓ સુરક્ષિત હતી. ઉત્તર ગુજરાતનું પાટણ શહેર તેની કલા, સમૃધ્ધિ અને સાહિત્યપ્રેમના કારણે આગવી પ્રતિષ્ઠા ધરાવતું હતું. પાટણ શહેર તેની સ્થાપત્ય કળાના કારણે પણ આગવી ઓળખ ધરાવતું હતું.

પાટણના એક નાના ગામના શીવમંદિરમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. ગીરજાશંકર દવે તેની પત્ની અલકાગૌરી એમનો એકનો એક પુત્ર સદાશીવ દવે. સદાશીવ ખૂબ જ નાની ઉંમરથી પૂજા ભક્તિ પ્રત્યે વિશેષ રૂચિ ધરાવતો હતો. પાંચ વર્ષના સદાશીવને શીવમહિમ્ન અને શીવતાંડવ મોઢે થઈ ગયા. રોજ નિયમીત રીતે શીવ આરાધનામાં મગ્ન રહેતા સદાશીવને જોઈને ગીરજાશંકર દવે અને અલકાગૌરીને આનંદ થતો હતો.  પોષ મહિનાનો કૃષ્ણપક્ષ ચાલી રહ્યો હતો અને ગીરજાશંકર દવેના મનમાં એક વિચાર આવ્યો, સપરિવાર શીવરાત્રીના મેળામાં દર્શને જવાનો.  રાત્રે પૂજા કર્યા બાદ જમતા સમયે ગીરજાશંકરે પોતાની પત્ની અલકાગૌરીને આ વાત કહી. અલકાગૌરીએ પણ સહર્ષ સંમતિ આપી. બીજા દિવસની સવારે, ગીરજાશંકર દવે અને એના પરિવારે જુનાગઢ ભવનાથના મેળામાં જવા તૈયારી શરૂ કરી.

મંદિરની પૂજા પોતાના પિતરાઈભાઈને સોંપીને ગીરજાશંકર દવેએ પોતાના પરિવાર સાથે જુનાગઢ જવા નીકળ્યા. પોતાના ગાડામાં જરૂરી સામાન, કરિયાણું લઈને પાટણથી જુનાગઢ જવા નીકળ્યા. જેમ જેમ મહા મહિનો નજીક આવતો હતો તેમ તેમ જુનાગઢ મેળામાં જનારાની સંખ્યા વધી રહી હતી. રસ્તામાં યાત્રાળુઓની મદદ માટે અને સરભરા માટે ધર્મશાળાઓ ખુલી ગઈ હતી અને સેવા કેન્દ્ર ચાલી રહેલ હતા. પાટણથી નીકળેલ ગીરજાશંકર દવે અને તેનો પરિવાર ધીમે ધીમે જુનાગઢ તરફ આગળ વધી રહ્યો હતો. મહા મહિનાનો કૃષ્ણપક્ષ શરૂ થઈ ચૂક્યો હતો અને ગીરજાશંકરનો પરિવાર જુનાગઢની પાવન ધરતી ઉપર હતો. પૂરા પંદર દિવસ અંહિ રોકાઈને પૂજા, ભક્તિ અને સાધુ સંતોની સેવા કરવાની ગીરજાશંકરના પરિવારની ઈચ્છા હતી. શીવરાત્રિના મેળામાં ભાગ લેવા માટે ભારતભરમાંથી સાધુઓ આવી ચૂક્યા હતા અને હજુ પણ આવી રહ્યા હતા. ગીરજાશંકરના પરિવારનો જ્યાં ઉતારો હતો તેની બાજુના મંદિરમાં જ ઉજ્જૈનથી આવેલા નાગા સાધુઓનો પડાવ હતો. સામાન્ય વ્યક્તિઓ માટે જે અત્યંત દુષ્કર ગણાય છે તે હઠયોગ નાગા સાધુઓ માટે સહજ હોય છે. નાગા સાધુઓ શસ્ત્રવિદ્યામાં પણ નિપૂણ હોય છે. ગીરજાશંકર તેની પત્ની અલકાગૌરી અને પાંચ વર્ષનો સદાશીવ ત્રણે જણા નાગા સાધુઓની સેવામાં લાગ્યા, શરૂઆતમાં તો નાગા સાધુઓએ તેમના સ્વભાવ મુજબ ગીરજાશંકર તથા તેના પરિવારને પોતાની નજીક આવવા ન દીધા. પરંતુ, સતત ચાર દિવસના ગીરજાશંકરના પ્રયત્નો અને સદાશીવ દ્વારા નિયમીત કરવામાં આવતા શીવ મહિમ્ન અને શીવ તાંડવના પાઠે નાગા સાધુઓના મનમાં એક કૂણી લાગણી પેદા થઈ. પાંચમા દિવસે ગીરજાશંકર પૂરા પરિવાર સહિત નાગા સાધુઓના દર્શને ગયો ત્યારે અખાડાના મહંત વ્રજ્રનાથજીએ ગીરજાશંકરને પોતાની પાસે બોલાવ્યો અને કડક શબ્દમાં કહ્યું, “તુમ્હે ક્યા ચાહિયે?”

મહારાજ બસ આપની સેવાનો લ્હાવો લેવો છે. બીજી કોઈ આશા નથી. ભોળાનાથની કૃપા છે.કોઈપણ પ્રકારના આડંબર વગર બોલાયેલા ગીરજાશંકરના શબ્દો પાછળની સત્યતા વ્રજ્રનાથજી ઓળખી ગયા અને કહ્યું, “ઠીક હૈ. તુમ ઔર તુમ્હારા લડકા શામ કી આરતી કે સમય સે યહાં આ સકતે હો.ગીરજાશંકર મનમાં ઘણું હરખાયો. બીજા દિવસથી ગીરજાશંકર પુત્ર સદાશીવ સાથે આરતીના સમયે વ્રજ્રનાથજીની સમક્ષ હાજર થઈ ગયા. આરતી પૂર્ણ થઈ એટલે વ્રજ્રનાથજીએ સદાશીવને પૂછ્યું, “શીવ તાંડવ તુમ ગાતે થે રોજ?” હિંદી પૂરુ નહિ સમજી શકેલા સદાશીવને પિતા ગીરજાશંકરે વ્રજ્ર્રનાથજી દ્વારા પૂછવામાં આવેલ સવાલ ગુજરાતીમાં સમજાવવામાં આવ્યો એટલે સદાશીવે હકારમાં માથું હલાવ્યું. વ્રજ્રાનાથજીએ કહ્યું, “ગાઓ.સદાશીવે આંખો બંધ કરી દેવાધિદેવ મહાદેવને યાદ કરીને શીવતાંડવનો પાઠ શરૂ કર્યો અને વ્રજ્રનાથજીએ પણ આંખો બંધ કરી એકચિત થઈને સાંભળવાનું શરૂ કર્યું. 

Sunday, March 5, 2023

કાળચક્ર ભાગ ૬

 

કાળચક્ર ભાગ ૬

એના ખિસ્સામાં રહેલો ફોન રણકી ઉઠ્યો એટલે એણે ફોન હાથમાં લઈ એની સ્ક્રીન સામે નજર કરી, ફીલીપ નામ ફ્લેશ થઈ રહ્યું હતું. લંચમાં જોડે મળીએ છીએ બધા એક્સક્યુઝમી ફોર નાવ કહીને એ પોતાની ચેમ્બરમાં ગયો.

ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વની સર્વ શ્રેષ્ઠ, પ્રાચીન, સભ્ય અને સુવિકસીત સંસ્કૃતિ. આજના વિકસીત દેશોમાં જ્યારે મનુષ્ય કપડાં પહેરતા પણ નહતો શીખ્યો તે સમયે ભારતમાં વિશાળ મંદિરો, મહાલયો, વિદ્યાલયો અને પાઠશાળાઓ ચાલતી હતી. (જેઓને આ કથન ઉપર શંકા હોય તેમણે દક્ષિણ ભારતના મંદિરો તેની નક્કાશી જોઈ લેવી. તેમજ તે કેટલા હજાર વર્ષ જુનું મંદિર છે તે જોઈ લેવું. ગુગલ બાબા આમાં મદદરૂપ થશે.) ભારતીય સંસ્કૃતિ જેટલી આદરણીય છે તેટલી જ ભારતીયોની વિદેશી વસ્તુ પ્રત્યેની ઘેલછા નિંદનીય છે. આયુર્વેદને બાજુએ મૂકીને એલોપથીનું આંધળું અનુકરણ આપણે શરૂ કર્યું અને વિશ્વના હાલના વિકસીત દેશોએ આપણા આયુર્વેદનો અભ્યાસ કરી તેનો આશરો લીધો. પ્રાકૃતિક વસ્તુઓ અને ઉપચારની નૈસર્ગિક પદ્ધતિઓ એમણે અપનાવી. ત્રિવેદી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા બનાવવામાં આવતું મધ અમેરીકામાં વેચવાની જવાબદારી હ્યુગો ફીલિપની હતી.

સંયમે ચેમ્બરમાં દાખલ થઈ ફોન રીસીવ કર્યો

હેય સેમ વીશ યુ મેની મેની હેપ્પી રીટર્ન ઓફ ધી ડે, હેપ્પી બર્થ ડે.. અમેરીકન છાંટ વાળા ઉચ્ચારણમાં ફીલીપે સંયમને વીશ કર્યું.

થેન્કસ, અ લોટ ફીલીપ.” સંયમે સામે અભિવાદન કર્યું.

સેમ, હીયર ડિમાન્ડ ઓફ અવર હની ઈઝ ઈન્ક્રીઝીંગ ડે બાય ડે. સો પ્લીઝ સેન્ડ નેકસ્ટ કન્સાઈનમેન્ટ એસ સુન એસ પોસીબલ. એન્ડ વ્હોટ ઈઝ ધ ડેવલપમેન્ટ અબાઉટ ન્યુ ફાર્મ?”

ઈટ વીલ બી સ્ટાર્ટેડ સુન. આઈ વીલ બી ગોઈંગ ટુ વીઝીટેડ ધ લેન્ડ ઈન નેકસ્ટ વીક.

ઓકે ડુ યોર બેસ્ટ એન્ડ વન્સ અગેઈન હેપ્પી બર્થ ડે.

યા થેન્કસ.“

એક સ્માઈલ આવી ગયું સંયમના ચહેરા ઉપર અને સાથે સાથે વિચાર પણ, આ ધોળિયાઓ ખરેખ પ્રોફેશનલ છે. એક બાજુ જન્મદિવસની શુભેચ્છા આપી અને બીજી તરફ આગળના કન્સાઈન્મેન્ટની ઉઘરાણી પણ કરી.

ત્રિવેદી ફાર્મના મધની અમેરીકામાં એક વિશીષ્ટ માંગ હતી અને એ માંગ જળવાઈ પણ રહી હતી. માર્કેટીંગ દ્વારા મોનોપોલી માર્કેટ ઉભું કર્યું હતું. દરેક આઉટલેટ પાસે એક આઈ.ડી. પાસવર્ડ રહેતો હતો. કસ્ટમર જો ફાર્મ જોવા માંગે તો કેટલાક લીમીટેડ સી.સી.ટી.વી. કેમેરા દ્વારા એ ત્રિવેદી ફાર્મ લાઈવ જોઈ શકાતા હતા. માર્કેટીંગ સ્ટ્રેટેજી હતી કે, જેટલું નેચરલ હની પ્રોડ્યુસ થાય છે તેટલું જ વેચવામાં આવે છે. આના કારણે ત્રિવેદી ફાર્મના મધની એક વિશિષ્ટ માંગ રહેતી અને તેના કારણે સંયમ ત્રિવેદીને સારો એવો પ્રોફીટ પણ થતો હતો.

દરવાજો નોક કરીને સોહન રાવ ફરી દરવાજામાંથી દેખાયો અને સંયમની વિચારધારા અટકી.

યસ સોહન.

સર, આ કેટલાક પેપર્સ ઉપર આપની સાઈન જોઈએ છીએ. એક્ષપોર્ટ કન્સાઈનમેન્ટના પેપર્સ છે. કેટલીક નવી પાર્ટી છે જે આપણી ઓર્ગેનીક પ્રોડક્ટની ડિસ્ટ્રીબ્યુટરશીપ મેળવવા માંગે છે અને આ ગૌ શાળાનો પ્રોજેક્ટ રીપોર્ટ.

ઓકે હું જોઈ લઉં. કહીને સંયમે પેપર્સ જોવાનું શરૂ કર્યું.

ત્રિવેદી ઈન્ડસ્ટ્રીઝમાં લંચનો સમય નક્કી હતો. બપોરે 1.30 થી 2.00. આજે ત્રિવેદી ઈન્ડસ્ટ્રીઝના બોસ અને ઓનર સંયમનો જન્મદિવસ હતો અને ઓફિસમાં જ બધાએ જોડે જ લંચ લેવાનું પ્રિ પ્લાન હતું.

ત્રિવેદી ઈન્ડસ્ટ્રીઝના કોન્ફરન્સ રૂમમાં લંચનું આયોજન કરવામાં આવ્યું હતું. સંયમ ત્રિવેદીના સ્વભાવની એક ખાસિયત હતી, જેના કારણે એનો સ્ટાફ એના પ્રત્યે એક વિશીષ્ટ આદરભાવ ધરાવતો હતો અને એ હતી, સંયમના સ્વભાવમાં અહમ્ નો અભાવ. એ દરેક વ્યક્તિ સાથે નિખાલસતાથી હળી મળી જતો અને દરેકની સાથે મિત્રભાવે વર્તી શકતો હતો. આજે પણ સંયમે પોતે દરેકને મિષ્ટાન પોતાના હાથે પીરસ્યું. લંચ બાદ સહુ પોતપોતાના કામે લાગ્યા અને સાંજે પ.00 વાગે સંયમે રાજેશને ફોન કરી ગાડી નીકાળવા સુચના આપી. સોહન રાવને અંદર બોલાવ્યો અને પોતે આજે વહેલો જઈ રહ્યો છે કોઈ મહત્વનું કામ બાકી રહી જતું નથી ને તે અંગેની પૂછપરછ કરી.

ફોનની રીંગ વાગી અને સ્ક્રીન ઉપર નામ ફ્લેશ થયું સ્વીટ સ્મિતા નામ જોઈને સંયમના ચહેરા ઉપર સ્મિત આવી ગયું. ફોન રીસીવ કરીને સંયમે કહ્યું, યસ મેડમ, ઘરે આવવા જ નીકળું છું.

સામા છેડેથી  લાગણી ભર્યા પ્રેમાળ અવાજમાં કંઈક કહેવામાં આવ્યું જેનાથી સંયમના ચહેરાના સ્મિતમાં વધારો થયો.

સંયમે બાય કહી ફોન કટ કર્યો અને પોતાની બ્રીફકેસ લઈને ચેમ્બરની બહાર નીકળ્યો સ્ટાફે ગુડબાય વીશ કર્યું. સંયમે લીફ્ટનો ડાઉન એરો પ્રેસ કર્યો થોડીવારમાં લીફ્ટ આવી અને સંયમ લીફ્ટમાં દાખલ થયો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રાજેશ પોર્ચમાં સંયમની વેગન આર સાથે તૈયાર ઉભો હતો. સંયમ ગાડીમાં ગોઠવાયો અને રાજેશે કાર ટેપમાં સંયમની પસંદની અંબા સ્તુતિ વગાડવાની શરૂ કરી અને ગાડી ત્રિવેદી મેન્શન તરફ આગળ વધી.

મુંબઈના ભીડભાડાવાળા રસ્તા ઉપર ધીમે ધીમે આગળ વધતી, ભીડને ચીરતી, સિગ્નલે ઉભી રહેતી ફરી આગળ વધતી ધીમે ધીમે ત્રિવેદી મેન્શન તરફ આગળ વધતી હતી. ત્રિવેદી મેન્શન તરફના વળાંક પાસે સંયમની ગાડી આવી અને સંયમને એવું લાગ્યં કે, સવારે જે સાધુ-સંન્યાસીને જોયા હતા તે અત્યારે ગેટ પાસે જ ઉભા છે. સંયમની અને એ સાધુ-સંન્યાસીની નજર એક થઈ, એ સાધુ-સંન્યાસીના ચહેરા ઉપર એક મોહક સ્મિત આવ્યું. ત્રિવેદી મેન્શનનો ગેટ ખૂલ્યો અને સંયમની કાર ત્રિવેદી મેન્શમાં દાખલ થઈ. ગેટ બંધ થયો અને સંયમે પાછળ જોયું તો ત્યાં કોઈ  ન હતું. સંયમના મનમાં વિચાર આવ્યો આ સાધુનું દેખાવું એ મારો ભ્રમ છે કે હકીકત? પણ એ કંઈ આગળ વિચારે તે પહેલા ગાડી ઉભી રહી. જોશી કાકા પોર્ચમાં ઉભા હતા. સંયમ ત્રિવેદી મેન્શનમાં દાખલ થયો. નિયમ મુજબ બહાર પહેરવાના જૂતા ઉતારી ખાનામાં ગોઠવ્યા અને ઘરમાં પહેરવાના સ્લીપર લીધા. સામેના વોશરૂમમાં હાથ-પગ, મોઢું ઘોઈ એ એના અને સ્મિતાના રૂમમાં ગયો ફ્રેશ થવા માટે.

માણસ કામમાં પ્રવૃત્ત હોય ત્યારે મનમાં આવતા વિચારોની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય છે. પરંતુ જ્યારે માણસ કામમાં પ્રવૃત્ત ન હોય અથવા રૂટિન વર્કમાં હોય ત્યારે માણસના મનમાં આવતા વિચારોનું પ્રમાણ વધારે હોય છે. સવારે જે સ્વપ્ન જોયું હતું તેમાં જે વાક્યો સંયમે સાંભળ્યા હતા તે જ વાક્યો સવારે ઓફિસ જતા ત્રિવેદી મેન્શનના ગેટની સામે ઉભેલા સાધુ-સંન્યાસીએ કહ્યા હોય તેવું લાગ્યું અને ઓફિસથી પરત આવતા એ જ સાધુ-સંન્યાસી ગેટની સામે ઉભા હોય તે સંયમે જોયું પણ બંને વખત ગાડી આગળ નીકળી ગયા પછી સંયમે પાછા વળીને જોયું તો ત્યાં કોઈ ન હતું. સંયમનું મન આ વિચારધારામાં રત થયું. કોણ હશે આ સાધુ-સંન્યાસી? જયે જે જગ્યા બતાવી તે મહાદેવનું મંદિર મને કેમ પરિચીત લાગ્યું? આ પહેલા એ ટેકરી ઉપર ક્યારેય ગયો નથી તો પછી તેની પાછળની બાજુ કાળા પથ્થરોથી બનેલી ગુફા છે તેની જાણ મને કેમ થઈ? સંયમના મનમાં આ વિચારોનો પ્રવાહ ચાલુ હતો અને સાથે સાથે શાવરમાંથી સંયમના મજબૂત દેહ ઉપર પાણીનો પ્રવાહ પણ.