Sunday, March 12, 2023

કાળચક્ર ભાગ - ૭

 

કાળચક્ર ભાગ - ૭ 

આ પહેલા એ ટેકરી ઉપર ક્યારેય ગયો નથી તો પછી તેની પાછળની બાજુ કાળા પથ્થરોથી બનેલી ગુફા છે તેની જાણ મને કેમ થઈ? સંયમના મનમાં આ વિચારોનો પ્રવાહ ચાલુ હતો અને સાથે સાથે શાવરમાંથી સંયમના મજબૂત દેહ ઉપર પાણીનો પ્રવાહ પણ.

રૂમનો દરવાજો ખૂલવાનો અવાજ આવ્યો અને સંયમે શાવર બંધ કર્યો અને ટોવેલ વીંટી બહાર આવ્યો. એના અનુમાન મુજબ જ બહાર સ્મિતા હતી. પાણીની બુંદો સંયમના શરીર ઉપર હજી પણ હતી. સ્મિતા સંયમની નજીક આવી અને સંયમની છાતી ઉપર પોતાનો હાથ ફેરવ્યો. સંયમે સ્મિતાને ખેંચીને પોતાની બાથમાં લઈ લીધી અને એના ગાલે એક ચુંબન ચોડી દીધું. બસ હવે છોકરા મોટા ગયા પણ તમે એવા ને એવા રહ્યારમતીયાળ સ્મિત સહિત સ્મિતાએ મીઠા છણકાથી સંયમને કહ્યું અને સંયમથી અલગ થઈ. ચાલો જલ્દી તૈયાર થઈને નીચે આવો. કહીને સ્મિતા નીચે ડાઈનીગં રૂમમાં ગઈ. થોડીવારે તૈયાર થઈને સંયમ પણ નીચે આવ્યો. સફેદ ચૂડીદાર અને કુર્તામાં એ સરસ દેખાતો હતો. નીચે ડાઈનીંગ એરીયામાં ત્રિવેદી મેન્શનનો પૂરો સ્ટાફ હાજર હતો. જોશી કાકા, સ્મિતા, શ્યામ, વિશ્વા, રાજેશ, મહારાજ અને બીજા તમામ વ્યક્તિઓ ડ્રોઈંગરૂમમાં હાજર હતા. સંયમે જોશી કાકાને ચરણ સ્પર્શ કર્યા. જોશી કાકાએ એને આશીર્વાદ આપતા કહ્યું ઈશ્વર તારું કલ્યાણ કરે, બેટા. તે પછીથી મહારાજ, રાજેશ અને બીજા તમામ વ્યક્તિઓએ સંયમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. ત્રિવેદી મેન્શનના દરેક સભ્ય માટે સ્મિતાએ ગીફટ ખરીદી હતી જે સંયમે સ્મિતાની સૂચના અનુસાર આપી. બંગલાના પાછળના ભાગમાં આવેલ ગાર્ડનમાં ડિનરની ગોઠવણી કરવામાં આવી હતી. સંયમ, સ્મિતા, શ્યામ અને વિશ્વા ઘરના દરેક સભ્યોએ આજે ત્રિવેદી મેન્શનના સ્ટાફને ડિનર સર્વ કર્યું અને પોતે બધાને જમાડીને જમ્યો. ડિનર પૂરું કરીને સંયમે સ્મિતાને કહ્યું આજે જરા બહાર વોક કરવાની ઈચ્છા છે. હું વોક કરીને આવું. સામાન્ય રીતે બંગલાના પાછળના ગાર્ડનમાં રોજ ચાલવાની ટેવ વાળા સંયમે આજે બહાર રોડ ઉપર વોક કરવા જવાની ઈચ્છા દર્શાવી તે સ્મિતાને અજુગતી લાગી પણ ગાર્ડનમાં હમણાં જ ડિનરપાર્ટી પૂરી થઈ હતી એટલે કદાચ આજે સંયમે બહાર રોડ ઉપર વોક કરવાનું મન બનાવ્યું હશે તેવું માનીને સ્મિતાએ ઓકે કહ્યું. સંયમ બહાર ચાલવા નીકળ્યો. ગેટની બહાર નીકળીને સંયમે એમ જ જમણી તરફ ચાલવાનું શરૂ કર્યું. થોડીક વાર પછી એને એવું લાગ્યું કે એની પાછળ કોઈ એક સલામત અંતર રાખીને ચાલી રહ્યું છે. એણે પાછળ વળીને જોયું તો એની પાછળ પેલા સાધુ-સંન્યાસી ચાલી રહેલ હતા. એમની ચાલ એવી રીતની હતી કે જાણે તે હવામાં તરી રહ્યા હોય. એમને જોઈને સંયમ ઉભો રહી ગયો. પેલા સાધુ-સંન્યાસી નજીક આવ્યા. સંયમથી અનાયાસે જ એમની સામે હાથ જોડાઈ ગયા. પેલા સાધુ-સંન્યાસી નજીક આવ્યા, સંયમના માથે એમણે હાથ મૂક્યો અને કહ્યું, સંયમનાથ પરત ફરવાની તૈયારી કરો. જી ગુરૂદેવ સંયમે કહ્યું. સંયમને એના મસ્તિષ્કમાં એક ઝણઝણાટી અનુભવાઈ, એની આંખો બંધ થઈ એકાદ પળ પછી સંયમે આંખો ખોલી એ રોડ ઉપર એ એકલો જ ઉભો હતો. એ સમજી નહતો શકતો કે, પેલા સાધુ-સંન્યાસી ક્યાંય દેખાતા ન હતા. સંયમ પોતાના બંગલે પરત આવ્યો.  પોતાના રૂમમાં આવી એણે નાઈટ ડ્રેસ પહેર્યો અને પોતાના ડબલ બેડમાં આડો પડ્યો. સ્મિતા આવી એણે સંયમની છાતી ઉપર માથું મૂકયું. સંયમે પ્રેમ પૂર્વક એના માથે હાથ ફેરવ્યો અને બેડની બાજુના સ્વીચબોર્ડ તરફ હાથ લંબાવી મેઈનલાઈટ બંધ કરી અને ડીમ લાઈટ ચાલુ કરી સ્મિતાને પોતાની નજીક ખેંચી.

સાધુ સંતો જેને અમૃતવેલા કહે છે તેવો વહેલી પરોઢનો ત્રણ વાગ્યાનો સમય થયો હતો. રોજની જેમ જ સંયમની આંખો ખૂલી ગઈ. તે પથારીમાંથી બેઠો થયો. સ્મિતાના ચહેરાની સામે જોયું. પંચાવનની વય પૂરી થઈ હોવા  છતાં સ્મિતાના ચહેરાની ચમક અને માસુમીયત અલગ જ દેખાતી હતી. એના ચહેરા ઉપર શાંતિના અને સંતોષના ભાવ દેખાતા હતા. ડબલબેડમાંથી ઉઠીને સંયમ વોશરૂમમાં ગયો. મોઢું ધોયું અને હળવેથી બાજુના પોતાના રૂમનો દરવાજો ખોલી પોતાના રૂમમાં ગયો. વર્ષોથી જેનો અભ્યાસ કરતો આવતો હતો તે મુજબનો પ્રાણાયામ કરીને પૂર્વ દિશામાં મોઢું રહે તે રીતે પદ્માસન લગાવી ધ્યાનની શરૂઆત કરી.  થોડાક સમયમાં સંયમના માનસપટ ઉપર દ્રશ્યો અંકિત થવા લાગ્યા.

------------------------------------------------------------------------------------------

ગુજરાતની ધરતી પર સોલંકી વંશનો સૂર્ય તપી રહ્યો હતો. સોલંકી વંશની આણ ગુજરાતના પ્રદેશ ઉપર પ્રવર્તિ રહી હતી. રાજા કર્ણદેવ સોલંકીના નેતૃત્વમાં ગુજરાતની પ્રજા અને ગુજરાતની સીમાઓ સુરક્ષિત હતી. ઉત્તર ગુજરાતનું પાટણ શહેર તેની કલા, સમૃધ્ધિ અને સાહિત્યપ્રેમના કારણે આગવી પ્રતિષ્ઠા ધરાવતું હતું. પાટણ શહેર તેની સ્થાપત્ય કળાના કારણે પણ આગવી ઓળખ ધરાવતું હતું.

પાટણના એક નાના ગામના શીવમંદિરમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. ગીરજાશંકર દવે તેની પત્ની અલકાગૌરી એમનો એકનો એક પુત્ર સદાશીવ દવે. સદાશીવ ખૂબ જ નાની ઉંમરથી પૂજા ભક્તિ પ્રત્યે વિશેષ રૂચિ ધરાવતો હતો. પાંચ વર્ષના સદાશીવને શીવમહિમ્ન અને શીવતાંડવ મોઢે થઈ ગયા. રોજ નિયમીત રીતે શીવ આરાધનામાં મગ્ન રહેતા સદાશીવને જોઈને ગીરજાશંકર દવે અને અલકાગૌરીને આનંદ થતો હતો.  પોષ મહિનાનો કૃષ્ણપક્ષ ચાલી રહ્યો હતો અને ગીરજાશંકર દવેના મનમાં એક વિચાર આવ્યો, સપરિવાર શીવરાત્રીના મેળામાં દર્શને જવાનો.  રાત્રે પૂજા કર્યા બાદ જમતા સમયે ગીરજાશંકરે પોતાની પત્ની અલકાગૌરીને આ વાત કહી. અલકાગૌરીએ પણ સહર્ષ સંમતિ આપી. બીજા દિવસની સવારે, ગીરજાશંકર દવે અને એના પરિવારે જુનાગઢ ભવનાથના મેળામાં જવા તૈયારી શરૂ કરી.

મંદિરની પૂજા પોતાના પિતરાઈભાઈને સોંપીને ગીરજાશંકર દવેએ પોતાના પરિવાર સાથે જુનાગઢ જવા નીકળ્યા. પોતાના ગાડામાં જરૂરી સામાન, કરિયાણું લઈને પાટણથી જુનાગઢ જવા નીકળ્યા. જેમ જેમ મહા મહિનો નજીક આવતો હતો તેમ તેમ જુનાગઢ મેળામાં જનારાની સંખ્યા વધી રહી હતી. રસ્તામાં યાત્રાળુઓની મદદ માટે અને સરભરા માટે ધર્મશાળાઓ ખુલી ગઈ હતી અને સેવા કેન્દ્ર ચાલી રહેલ હતા. પાટણથી નીકળેલ ગીરજાશંકર દવે અને તેનો પરિવાર ધીમે ધીમે જુનાગઢ તરફ આગળ વધી રહ્યો હતો. મહા મહિનાનો કૃષ્ણપક્ષ શરૂ થઈ ચૂક્યો હતો અને ગીરજાશંકરનો પરિવાર જુનાગઢની પાવન ધરતી ઉપર હતો. પૂરા પંદર દિવસ અંહિ રોકાઈને પૂજા, ભક્તિ અને સાધુ સંતોની સેવા કરવાની ગીરજાશંકરના પરિવારની ઈચ્છા હતી. શીવરાત્રિના મેળામાં ભાગ લેવા માટે ભારતભરમાંથી સાધુઓ આવી ચૂક્યા હતા અને હજુ પણ આવી રહ્યા હતા. ગીરજાશંકરના પરિવારનો જ્યાં ઉતારો હતો તેની બાજુના મંદિરમાં જ ઉજ્જૈનથી આવેલા નાગા સાધુઓનો પડાવ હતો. સામાન્ય વ્યક્તિઓ માટે જે અત્યંત દુષ્કર ગણાય છે તે હઠયોગ નાગા સાધુઓ માટે સહજ હોય છે. નાગા સાધુઓ શસ્ત્રવિદ્યામાં પણ નિપૂણ હોય છે. ગીરજાશંકર તેની પત્ની અલકાગૌરી અને પાંચ વર્ષનો સદાશીવ ત્રણે જણા નાગા સાધુઓની સેવામાં લાગ્યા, શરૂઆતમાં તો નાગા સાધુઓએ તેમના સ્વભાવ મુજબ ગીરજાશંકર તથા તેના પરિવારને પોતાની નજીક આવવા ન દીધા. પરંતુ, સતત ચાર દિવસના ગીરજાશંકરના પ્રયત્નો અને સદાશીવ દ્વારા નિયમીત કરવામાં આવતા શીવ મહિમ્ન અને શીવ તાંડવના પાઠે નાગા સાધુઓના મનમાં એક કૂણી લાગણી પેદા થઈ. પાંચમા દિવસે ગીરજાશંકર પૂરા પરિવાર સહિત નાગા સાધુઓના દર્શને ગયો ત્યારે અખાડાના મહંત વ્રજ્રનાથજીએ ગીરજાશંકરને પોતાની પાસે બોલાવ્યો અને કડક શબ્દમાં કહ્યું, “તુમ્હે ક્યા ચાહિયે?”

મહારાજ બસ આપની સેવાનો લ્હાવો લેવો છે. બીજી કોઈ આશા નથી. ભોળાનાથની કૃપા છે.કોઈપણ પ્રકારના આડંબર વગર બોલાયેલા ગીરજાશંકરના શબ્દો પાછળની સત્યતા વ્રજ્રનાથજી ઓળખી ગયા અને કહ્યું, “ઠીક હૈ. તુમ ઔર તુમ્હારા લડકા શામ કી આરતી કે સમય સે યહાં આ સકતે હો.ગીરજાશંકર મનમાં ઘણું હરખાયો. બીજા દિવસથી ગીરજાશંકર પુત્ર સદાશીવ સાથે આરતીના સમયે વ્રજ્રનાથજીની સમક્ષ હાજર થઈ ગયા. આરતી પૂર્ણ થઈ એટલે વ્રજ્રનાથજીએ સદાશીવને પૂછ્યું, “શીવ તાંડવ તુમ ગાતે થે રોજ?” હિંદી પૂરુ નહિ સમજી શકેલા સદાશીવને પિતા ગીરજાશંકરે વ્રજ્ર્રનાથજી દ્વારા પૂછવામાં આવેલ સવાલ ગુજરાતીમાં સમજાવવામાં આવ્યો એટલે સદાશીવે હકારમાં માથું હલાવ્યું. વ્રજ્રાનાથજીએ કહ્યું, “ગાઓ.સદાશીવે આંખો બંધ કરી દેવાધિદેવ મહાદેવને યાદ કરીને શીવતાંડવનો પાઠ શરૂ કર્યો અને વ્રજ્રનાથજીએ પણ આંખો બંધ કરી એકચિત થઈને સાંભળવાનું શરૂ કર્યું. 

No comments:

Post a Comment